આપણી નક્કર માન્યતા સામે લડવા આત્મબળ જમાવવું પડે…

માણસ ડગલે ને પગલે જે અડચણોનો અનુભવ કરે

  • ભૂપત વડોદરિયા

એક માણસ બીજા માણસને જુએ છે ત્યારે કાં તેને ભાવઊપજે છે અને કાં તો એકદમ અભાવઉત્પન્ન થાય છે. બે વ્યક્તિઓ પહેલી જ વારના સંપર્કમાં આવે છે ત્યારે એક વ્યક્તિને એકદમ અણગમો પેદા થાય છે, જ્યારે બીજી વ્યક્તિને આશ્ચર્ય પેદા થાય છે. આનું કારણ એ હશે? આ માણસને મેં કદી જોયો પણ નથી, આજે પહેલી જ વાર એનો ચહેરો હું જોઉં છું ને એ ચહેરા પર વિરોધના વાવટા કેમ ફરકવા માંડે છે ? તેનું કંઈ જ બગાડ્યું નથી છતાં આમ કેમ? અમુક કિસ્સામાં એવું બને છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈ ત્રીજી વ્યક્તિનું સ્મરણ કરાવે છે. એક માણસ બીજા માણસને જુએ ત્યારે તેને કોઈ એવી વ્યક્તિનું સ્મરણ થાય છે કે જેને એ ધિક્કારતો હોય! એક માણસનો ચહેરો કોઈક ત્રીજા માણસના ચહેરાને મળતો આવતો હોય તો તેમાં તે માણસનો દોષ શો? એનો કોઈ દોષ નથી. પણ તે જો ઉપરોક્ત હકીકતની કદર કરી શકે તો કોઈક વ્યક્તિના પ્રથમ દૃષ્ટિ તિરસ્કારનો પ્રત્યાઘાત તિરસ્કારના રૂપમાં જ આપવાના જોખમમાંથી પોતાની જાતને ઉગારી શકે છે. આવો માણસ તરત સમજી શકશે કે જે વ્યક્તિએ કશી ઓળખાણ કે પરિચય ના હોવા છતાં, પોતાને જોતાંવેત જ અણગમો વ્યક્ત કર્યો છે. તે વ્યક્તિ કોઈક ત્રીજી વ્યક્તિને પોતાનામાં છે. ત્રીજી વ્યક્તિએ તેની સાથે કંઈક અઘટિત યા અન્યાયયુક્ત વહેવાર કર્યો હશે ને તેનું જ આ પ્રતિબિંબ છે. એક માણસ પ્રત્યે બીજા માણસનો અભાવ આ રીતે અજાણ્યા પણ સામ્ય ધરાવતાં ચહેરામાં પ્રતિબિંબ શોધી બેસે છે. આવી કોઈક વ્યક્તિનું સામ્ય આપણા પોતાના ચહેરામાં કોઈને મળી આવે તે કમનસીબી છે. પણ તેથી કરીને માણસે લાચાર થવાની જરૂર હોતી નથી. પેલા માણસે એક ભૂલ કરી તે ભૂલનો આપણે ગુણાકાર કરવાની લગીરે જરૂર નથી.

જેના સંબંધે કડવો અનુભવ થયો હોય તે વ્યક્તિના ચહેરા-મહોરાને મળતી બીજી અપરિચિત વ્યક્તિનો ભેટો થાય ત્યારે આ રીતે અકારણ અભાવ ઉત્પન્ન થાય તેવું જોવામાં આવે જ છે. પણ પ્રમાણમાં આવા કિસ્સા ઓછા હોય છે, કેમકે, તરત જ આંખને ખટકે તેવું સામ્ય પ્રમાણમાં બહુ થોડા ચહેરામાં જડે છે. વધુ સંખ્યાના કિસ્સામાં તો એવું જોવા મળે છે કે, પહેલી વ્યક્તિને માટે બીજી વ્યક્તિનો ચહેરો છેક નવો અને અજાણ્યો હોવા છતાં અભાવ પેદા થાય છે. આવું બને છે, પણ તેનું કારણ જુદું હોય છે.

રાજા ને કઠિયારાની વાત જાણીતી છે. એક રાજા જ્યારે એક કઠિયારાને જોતો ત્યારે રાજાની આંખોમાં એકદમ અણગમો ઊઠતો. આમ થવાનું કારણ એટલું કે પેલા કઠિયારાને જોતાંવેંત રાજાને કઠિયારાના મનમાં છુપાયેલા ઇરાદાઓની ગંધ આવી જતી. કઠિયારો જ્યારે રાજાનો વિચાર કરતો ત્યારે એક વિચાર આવતો કે, જો આ રાજા મરે તો મારાં લાકડાં ખૂબ ખપી જાય ! કઠિયારો વારંવાર મનમાં આવા વિચારો જ ઘૂંટ્યા કરતો. પોતાના આ વિચારોને તે વાચા આપતો નહોતો કે પ્રગટ થવા દેતો નહોતો, છતાં કઠિયારાની એ દુર્ભાવનાના મનતરંગો રાજા સુધી પહોંચી જતા.

તમે જ્યારે કોઈને વિશે સદભાવ ઘૂંટો છો ત્યારે તેની સુગંધ નિસ્બત ધરાવનારી વ્યક્તિ સુધી પહોંચે છે, ને તમે જ્યારે કોઈ માણસ વિશે દુર્ભાવ ઘૂંટો છો ત્યારે તેની ગંધ પણ સંબંધકર્તા વ્યક્તિ સુધી ગૂઢ રીતે પહોંચી જતી હોય છે. માણસના સદભાવને દુર્ભાવનાની બાબતમાં ઠીક અંશે આઘાત-પ્રત્યાઘાતની સમાનતાનો સિદ્ધાંત સાચો ઠરે છે. અપવાદરૃપ અગર સમજી ના શકાય તેવા થોડા કિસ્સા જરૃર જોવામાં આવે છે પણ મોટે ભાગે તો શુભેચ્છા ને સદભાવનાનો પડઘો શુભેચ્છા અને સદભાવના રૃપે જ પડે છે. જ્યારે અભાવ, તિરસ્કાર, તીખી દૃષ્ટિ વગેરેના જવાબોમાં આવી લાગણીઓ ઉત્પન્ન થાય છે. એક માણસના બીજા માણસ પ્રત્યેના ભાવને અભાવના સંદેશા-સંકેતો પહોંચતાં જ હોય છે. પ્રેમથી પ્રેમ જન્મે છે અને વેરથી વેર જન્મે છે એવો સિદ્ધાંત આપણને એક હવાઈ આદર્શ લાગે છે, પણ માણસના સૈકાઓના અનુભવમાંથી નિપજેલો નક્કર નિચોડ છે.

કેટલીક વ્યક્તિઓ અલબત્ત એવી ફરિયાદ કરે છે કે, આ કે તે વ્યક્તિ વચ્ચે સતત સદભાવને શુભેચ્છાઓ જ અમે મનમાં ઘૂંટ્યા કરી છે ને રોજબરોજના વહેવારમાં બરાબર વણી લેવાની કાળજી પણ અચૂક રાખી છે છતાં અમને તેના જવાબમાં કંઈ શુભેચ્છા મળી નથી. ઊલટું એવું બન્યું છે કે શુભેચ્છાના જવાબમાં શાપ જ સાંભળવા મળ્યો છે. શાપના વચનો કોઈ મોટેથી બોલતું નથી, પણ મનની અંદર તેના જાપ જપે છે. આ કે તે વ્યક્તિ માટે ઘણી બધી શુભેચ્છાઓ મનમાં ઘૂંટીને આચરણમાં મૂકી, પણ જે બદલો મળ્યો છે તેનો વિચાર કરીએ ત્યારે એવું જ લાગે છે કે ફૂલનો ટોપલો આપ્યો અને જવાબમાં માત્ર કાંટાનો કોથળો મળ્યો !

આવી બધી જ ફરિયાદો ખોટી નથી હોતી, પણ કેટલીક વાર તેમના અર્થઘટનમાં ગંભીર ભૂલ હોય છે. એક વ્યક્તિ પ્રત્યે તમે ખૂબ પ્રેમ અને ખૂબ સદભાવ દાખવો છો અને છતાં જવાબમાં પ્રેમ કે સદભાવ પ્રાપ્ત થતા નથી. એનું કારણ એ પણ હોઈ શકે છે કે જે વ્યક્તિને તમે ચાહો છો તે વ્યક્તિ પોતાની જાતને એટલી હદે ધિક્કારતી હોય છે (પોતાની જાણ બહાર ધિક્કારતી હોય છે) કે તે પ્રેમના જવાબમાં પોતાનું દિલ ખોલી બેસે ત્યારે તેમાંથી આત્મધિક્કાર જ ટપકી પડે છે! તમને લાગે છે કે તેણે પ્રેમના જવાબમાં ધિક્કાર આપ્યો ! એમાં ધિક્કાર હોય તો પણ તે તમારા પ્રત્યે નહીં પણ પોતાની જાત પ્રત્યે હોય છે. એક વ્યક્તિને માટે બીજી વ્યક્તિને ચાહવાનું કદાચ સહેલું છે, પણ બીજી વ્યક્તિને પ્રેમ આપતાં આપતાં આત્મધિક્કાારની ગુફામાંથી બહાર કાઢવાનું એટલું સહેલું નથી હોતું. તમે તમારી જાતને બેશક ખૂબ ચાહો છો ને એ આત્મપ્રેમમાંથી એક બીજું થડ બંધાય છે. બીજી વ્યક્તિ પ્રત્યેના પ્રેમરૃપે આત્મપ્રેમના વૃક્ષનું એ બીજું થડ હોય છે. એવું બને છે કે જે વ્યક્તિ પોતાની જાતને ખૂબ ધિક્કારતી હોય છે તે વ્યક્તિના આ આત્મધિક્કારમાંથી પણ એક બીજું થડ બંધાય છે. બીજી વ્યક્તિ પ્રત્યેના ધિક્કારના રૃપમાં તે તેના આત્મધિક્કારના વૃક્ષનું જ બીજું થડ હોય છે.

એક વ્યક્તિ બીજી વ્યક્તિને ચાહે એટલું બસ નથી, તે બંને એકબીજાને પરસ્પરના આત્મધિક્કારના કોચલામાંથી બહાર પણ કાઢે તે ખૂબ જરૃરી હોય છે. ફિગરપ્રિન્ટ્સના ચોપડાના જેવો એક મોટો ચોપડો માણસના મનની અંદર પડ્યો હોય છે. આ સ્મરણપોથીમાં અનેક ચહેરા-મહોરાના રેખાંકનો પડતા હોય છે. તેની સામે જ્યારે એક વ્યક્તિ આવે ત્યારે તેને સાત જનમની સગાઈનો સાદ સંભળાય છે અગર તેને જૂગજૂના વેરની ચીસ સંભળાય છે. ચોક્કસપણે કોઈ જાણતું નથી કે એક ચહેરાની છાપ બીજા માણસની આંખની કીકીમાં ઝીલાતાવેંત તેના સ્મૃતિસંગ્રહની આ કે તે તસવીર ઉપર કઈ રીતે અને કેવા કારણોસર ચાહનાની કે ચેતવણીની ઘંટડી બજાવે છે! માણસના મગજનો ઘણો બધો ભેદભરમ વૈજ્ઞાનિકો પામી ગયા છે પણ મગજ એ મન નથી. મન કંઈક અલગ છે. ભૂતની જેમ છે અને નથીની શંકા જગાડે છે અને છતાં આસ્તિક કે નાસ્તિક, બુદ્ધિમાન કે અબુધ આ એક બાબતમાં એટલી વાત તો કબૂલ કરે છે જ છે કે, બીજાની વાત બીજા જાણે, મારે મનજેવું કંઈક છે જ !

મૂળ મુદ્દા પર આવીએ તો, આ દુનિયામાં ભાતભાતના લોકો છે અને નદી-નાવ-સંયોગની જેમ સૌની હળીમળીને ચાલવા માટે માણસે પોતાની અંદર જ શુભેચ્છાઓનું એક એવું શક્તિશાળી મથક ઊભું કરવું પડે છે, જે સતત મૈત્રીના સંદેશા મોકલ્યા કરે. ગમે તેટલી કોશિશ છતાં આપણા પોતાના હિતના ખ્યાલોને આપણી પોતાની અનુગ્રહપૂર્વકની કેટલી ઝંઝટને લીધે અભાવના સંદેશાબહાર પડ્યા વગર રહેતા નથી, પણ માણસ આવા સંદેશાઓનું નિયમન કરતો રહે અને મૈત્રીના સંદેશાઓની માત્રા વધારતો રહે તો ચોતરફ દુશ્મનીનો ઘેરોઓછો અનુભવવો પડે.

કેટલીક વાર એવું બને છે કે માણસ ડગલે ને પગલે જે અડચણોનો અનુભવ કરે તેમાં પોતાના વિરોધીઓના ઇરાદાપૂર્વકનો હાથ નિહાળે છે અને તેનાથી દુઃખ અને આઘાત અનુભવે છે. વધુ સારો રસ્તો આવી મુશ્કેલીઓમાં કોઈનો હાથ નહીં આરોપવામાં અને જો કોઈનો હાથ ખરેખર હોય તો પણ તેને માત્ર નિમિત્તરૃપ ગણવાની સમજણમાં રહેલો છે. માણસ જો આ રીતે વિચારતો થાય તો તેને પોતાની આસપાસના ચહેરાઓમાં વિરોધી રેખાઓને વિરોધી ચેષ્ટાઓ શોધવાનું ઓછું મન થશે. માણસની સામે પરિચિત કે અપરિચિત ચહેરા આવે ત્યારે તેને માત્ર કાળા કાચ ગણવાને બદલે, છબી ઝાળલનારો અને પ્રતિબિંબ પાડનારો અરીસો સમજીને પોતાના ચહેરાની તંગ રેખાઓમાં કુમાશ આણવી જોઈએ.

બીજા માણસ સાથેના મુકાબલામાં માણસ કેટલીક વાર લડાયક ચહેરા ધારણ કરવાનું વલણ અપનાવે છે અને પોતાના આ વલણને વાજબી ઠરાવવા માટે કહે છે કે, આ દુનિયામાં નમ્ર અને નબળા દેખાઈએ તો હારી જવાય છે. ચહેરા પર નબળાઈ દેખાડીએ તો હરકોઈ વ્યક્તિ જોર-જબરદસ્તી કરવા માંડે છે, એટલે ભલેને કોઈને કરડીએ નહીં પણ ફૂંફાડો તો રાખવો જ પડે છે! હકીકતે ખોટી વસ્તુનો પ્રતિકાર કરવા માટે કોઈની જોરતલબીને પહોંચી વળવા માટે ચહેરા પર ગુસ્સો કે લડાઈનું મહોરું ધારણ કરવાની કોઈ જ જરૃર હોતી નથી. પોતાની સાચી નક્કર માન્યતાના બચાવમાં લડવા માટે તમારી પોતાની અંદર શાંત, સ્વસ્થ, આત્મબળ જમાવવું પડે છે. તમારી પોતાની અંદર સાચો અગ્નિના હોય ને તમે માત્ર ચહેરા પર ધુમાડાનું ચિત્ર બતાવો તો તેનાથી કોઈ લાભ થતો નથી. કેટલીક વાર મિત્ર સાથે પણ લડવાની સ્થિતિ આવી પડે છે પણ લડવા માટેનું શસ્ત્ર શત્રુતાની ડંખીલી છરી નથી.

દરેક માણસ તરતા ચહેરાઓના એક તળાવમાં જીવે છે. સવાલ પોતપોતાની દૃષ્ટિનો છે. કેટલાકની નજર માણસનો ચહેરો સામે આવે ત્યારે રીઢા ગુનેગારોની તસવીર-પોથીનાં પાનાં ફેરવવા માંડે છે, જ્યારે બીજા કેટલાકની નજર પોતાના જ ખાનદાનના આલબમનાં ખોવાયેલાં પાનાં સંભારવા અને અણસાર શોધવા મથે છે. આવી નજર હોવી કે કેળવવી એ પણ એક દૈવી વરદાન છે.

——————————-.

You might also like