વર્લ્ડકપઃ આવતી કાલથી સેમિફાઇનલની ટક્કર શરૂ

સેન્ટ પીટ્સબર્ગઃ ફિફા વર્લ્ડકપ ૨૦૧૮નો રોમાંચક હવે સેમિફાઇનલની જંગ સુધી પહોંચી ચૂક્યો છે. દુનિયાની ચાર સર્વશ્રેષ્ઠ ટીમ ફૂટબોલના આ મહાકુંભમાં પોતાનો દમ દેખાડવા અંતિમ ચારમાં પહોંચી ગઈ છે, પરંતુ અહીં સુધીની તેઓની સફર આસાન નથી રહી. ભૂતપૂર્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ફ્રાંસની સાથે સાથે પોતાના પ્રથમ ખિતાબનું સપનું જોઈ રહેલી બેલ્જિયમ અને ક્રોએશિયાની ટીમો માટે અત્યાર સુધીની સફર કેવી રહી છે તેના પર એક નજર કરીએઃ

મજબૂત ફ્રાંસ
વિશ્વકપ શરૂ થતા પહેલાં જ ફ્રાંસની ટીમને ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી અને તેણે પોતાની દાવેદારીને સેમિફાઇનલ સુધી જાળવી રાખી છે. ગ્રૂપ-સીમાં બે જીત અને એક ડ્રો સાથે નોકઆઉટમાં પહોંચેલી ફ્રાંસની ટીમે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં લિયોન મેસીના નેતૃત્વવાળી આર્જેન્ટિનાનીટીમને ૪-૩થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. પછી અંતિમ-૮માં તેણે ઉરુગ્વેને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.

ઈંગ્લેન્ડનું શાનદાર પ્રદર્શન
કેપ્ટન હેરી કેનના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની ટીમ પણ પોતાના શાનદાર પ્રદર્શનને કારણે સેમિફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. ગ્રૂપ-જીમાં તેને બેલ્જિયમ સામે પોતાના અંતિમ લીગ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એ પહેલાં ઈંગ્લેન્ડે પોતાની બંને મેચ જીતી લઈને નોકઆઉટમાં સ્થાન મેળવ્યું હતું. જોકે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેને મજબૂત કોલંબિયાના પડકારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ગેરેથ સાઉથગેટની આ યુવા ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં જીત હાંસલ કરી. એ મેચમાં ઈંગ્લેન્ડના ગોલકીપર પિકફોર્ડે જબરદસ્ત બચાવ કરીને ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ક્વાર્ટર ફાઇનલમાં ઈંગ્લેન્ડે ૨-૦થી જીત હાંસલ કરી અને અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો. આ ટીમે વર્તમાન વિશ્વકપમાં સેટ પીસેસથી વધુ ગોલ કર્યા છે. સૌથી વધુ છ ગોલ કરી ચૂકેલો ઈંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન ગોલ્ડ બૂટની રેસમાં સૌથી આગળ છે.

ક્રોએશિયાની કમાલ લૂકા મોડ્રિકના નેતૃત્વમાં ક્રોએશિયાએ વર્તમાન વિશ્વકપમાં બધાને ચોંકાવી દીધા છે. ગ્રૂપ-ડીમાં આર્જેન્ટિના જેવી મજબૂત ટીમને કારમો પરાજય આપીને ક્રોએશિયન ટીમે ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. ત્યાર બાદ પ્રી-ક્વાર્ટર ફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટ સુધી ગયેલી મેચમાં જીત હાંસલ કરીને તેણે સેમિફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી છે. અંતિમ-૧૬ મુકાબલામાં તેણે ડેનમાર્કને, જ્યારે અંતિમ-૮માં તેણે યજમાન રશિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું. આ બંને મેચમાં ક્રોએશિયાના ગોલકીપર સુબાસિક જીતનો હીરો સાબિત થયો હતો.

બાદશાહત તરફ બેલ્જિયમનું પ્રયાણ પોતાના પ્રથમ ખિતાબ તરફ આગળ વધી રહેલી બેલ્જિયમની ટીમે અત્યાર સુધી આ વિશ્વકપમાં રમેલા પોતાના બધા જ મુકાબલા જીતીને ગ્રૂપ-જીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. અંતિમ-૧૬માં તેણે વિશ્વની સૌથી મોટી વાપસી કરતાં જાપાનને ૩-૨થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તેણે પાંચ વાર વિશ્વ ચેમ્પિયન બનેલી બ્રાઝિલને ૨-૧થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. બેલ્જિયમ તરફથી ટીમના સ્ટાર ખેલાડી રોમેલુ લૂકાકુ ચાર ગોલ કરી ચૂક્યો છે અને તે પણ ગોલ્ડન બૂટની દાવેદારીમાં સામેલ થઈ ગયો છે.

સેમિફાઇનલ લાઇન-અપ
પ્રથમ સેમિફાઇનલઃ ૧૦ જુલાઈ
ફ્રાંસ V/s બેલ્જિયમ
સમયઃ રાત્રે ૧૧.૩૦
મેદાનઃ સેન્ટ પીટ્સબર્ગ

બીજી સેમિફાઇનલઃ ૧૧ જુલાઈ
ઈંગ્લેન્ડ V/s ક્રોએશિયા
સમયઃ રાત્રે ૧૧.૩૦
મેદાનઃ લુજ્નિકી સ્ટેડિયમ

You might also like