Fifa World Cup 2018: પ્રી-ક્વાર્ટર ફાઇનલ જંગ

આર્જેન્ટિના-ફ્રાંસ વચ્ચે ટક્કરઃ મેસીનો મેજિક જોવા ફેન્સ આતુર
કજાનઃ ફિફા વિશ્વકપ ૨૦૧૮માં જો આર્જેન્ટિનાએ આગળની સફર ખેડવી હશે તો ફ્રાન્સ સામે આજે રમાનાર પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેના સ્ટાર સ્ટ્રાઇકર લિયોન મેસીએ પોતાની કાબેલિયતનો પરિચય આપવો પડશે. આજે થનારી ટક્કરમાં આર્જેન્ટિના અને ફ્રાન્સે પોતાની સર્વશ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરવું પડશે.

ગત વખતની રનરઅપ આર્જેન્ટિનાની ટીમ પોતાના સુપર સ્ટાર મેસી પાસેથી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રદર્શનની આશા રાખી રહી છે.ગ્રૂપ સ્ટેજમાં ક્રોએશિયા સામેના મુકાબલામાં અનુભવી, પરંતુ અસંતુલિત આર્જેન્ટિનાની ટીમને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે આ ટીમ સામે એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. બીજી તરફ ફ્રાંસની ટીમે ગ્રૂપ સ્ટેજમાં એક પણ મેચ હારી ન હોવા છતાં થોડી સુસ્ત રમત દેખાડી છે.

વિશ્વકપના પ્રબળ દાવેદારોમાંની એક ફ્રાન્સ માટે પણ સ્થિતિ કંઈ બહુ સારી નથી. ટીમનાે દિગ્ગજ સ્ટ્રાઇકર એન્ટોની ગ્રીઝમેન હજુ સુધી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. આનો અર્થ એ થયો કે ગ્રીઝમેન અને ફ્રાન્સ માટે પણ આજનો જંગ ‘કરો યા મરો’ સમાન છે.

પોર્ટુગલ-ઉરુગ્વે વચ્ચે ટક્કરઃ રોનાલ્ડોનો રસ્તો ગોડિન રોકશે
સોચ્ચિઃ વર્તમાન વિશ્વકપમાં પોતાના મજબૂત ડિફેન્સથી બધાનું દિલ જીતી લેનારા ઉરુગ્વેના સેન્ટર બેક ખેલાડી ડિએગો ગોડિન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલના કેપ્ટન અને સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો રસ્તો રોકવાની કોશિશ કરશે.

૧.૫૫ કરોડની વસ્તીવાળા પોર્ટુગલ અને ઉરુગ્વે ફિસ્ટ સ્ટેડિયમમાં આજે ટકરાવાના છે. ૩૩ વર્ષીય રોનાલ્ડો માટે આ સર્વશ્રેષ્ઠ વર્લ્ડકપ સાબિત થઈ રહ્યો છે, પરંતુ એક સત્ય એ પણ છે કે બે વાર વિશ્વ ચેમ્પિયન બનેલા ઉરુગ્વેએ રશિયામાં હજુ સુધી એક પણ ગોલ ખાધો નથી.

એટલેટિકો મેડ્રિડમાં દીવારની ભૂમિકા નિભાવતા ગોડિન પાસે ગોલ બચાવવાનું સારી રીતે આવડે છે. તેની સાથે ઉરુગ્વેના ડિફેન્સની કમાન સંભાળવા માટે ગિમેનેઝ તૈયાર છે કે જે ઈજાને કારણે રશિયા સામેની મેચમાં રમ્યો નહોતો. જોકે રોનાલ્ડો પણ શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે.

તેણે વર્તમાન વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ચાર ગોલ કર્યા છે, જેમાં સ્પેન સામેની હેટ્રિક પણ સામેલ છે. જ્યારે ઉરુગ્વે પાસે લૂઇસ સુઆરેઝ અને એડિન્સન કવાનીના રૂપમમાં બે મોટા સ્ટાર છે, જેઓ ગમે ત્યારે ગોલ કરી શકે છે.

You might also like