યજમાન રશિયાની આશાને ધ્વસ્ત કરવા મેદાનમાં ઊતરશે ક્રોએશિયા

સોચિઃ ૨૦ વર્ષ પહેલાં પોતાના પ્રથમ વિશ્વકપમાં રમવા ઊતરેલી ક્રોએશિયાની ટીમે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, ત્યાર બાદથી અત્યાર સુધીમાં ક્યારેય આ ટીમને સેમિફાઇનલમાં રમવાની તક મળી નથી. આ સ્થિતિમાં ૧૯૯૮ના પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનું પુનરાવર્તન કરીને વર્તમાન વિશ્વકપમાં ક્રોએશિયાની ટીમ આજે રાત્રે ૧૧.૩૦ વાગ્યે રમાનારી અંતિમ ક્વાર્ટર ફાઇનલમાં યજમાન રશિયા સામે ટકરાશે.

આજની મેચમાં ક્રોએશિયાની નજર યજમાન રશિયાની તમામ આશાઓને ધ્વસ્ત કરીને સેમિફાઇનલની ટિકિટ કન્ફર્મ કરવા પર રહેશે. વર્તમાન વિશ્વકપમાં આ વખતે ચોંકાવનારાં પરિણામો જોવા મળ્યાં છે, પરંતુ ક્રોએશિયાને અંતિમ-૮માં આનાથી સારું પ્રદર્શન કરવાની તક કદાચ જ મળશે.

વર્તમાન કેપ્ટન લૂકા મોડ્રિક, મારિયો અને ઇવાન રેકેટિકે એવી જ કમાલ કરવી પડશે, જે ૧૯૯૮માં ડેવર સુકેર, જોમિનેર બોબન અને સ્લાવેન બિલિકે કરી હતી. ૧૯૮૮માં ક્રોએશિયાની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીને ૩-૦થી હરાવ્યું હતું.

ક્રોએશિયાએ વર્તમાન વર્લ્ડકપના ગ્રૂપ સ્ટેજમાં આર્જેન્ટિના જેવી મજબૂત ટીમને ૩-૦થી હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. ક્રોએશિયાની ટીમે નાઇજિરિયા અને આઇસેલન્ડને પણ માત આપી હતી અને પોતાના ગ્રૂપમાં સૌથી મજબૂત ટીમ સાબિત થઈ હતી.

જોકે રશિયાની ટીમને હળવાશથી લઈ શકાય તેમ નથી. વિશ્વ રેન્કિંગના મામલે રશિયાની ટીમ ભલે વિશ્વકપમાં ભાગ લઈ રહેલી ટીમોમાં સૌથી નીચલા ક્રમે હોય, પરંતુ ઘરેલુ દર્શકોના સમર્થનથી ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ગ્રૂપ સ્ટેજમાં સાઉદી આરબ અને ઇજિપ્તને એકતરફી મુકાબલામાં માત આપ્યા બાદ રશિયાએ ઉરુગ્વે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે અંતિમ-૧૬માં સ્પેન જેવી મજબૂત ટીમને વર્લ્ડકપની બહાર ફેંકી દીધી હતી.

You might also like