પોર્ટુગલે ઈરાન સામે ડ્રો કરીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું

મોર્ડોવિયાઃ પોર્ટુગલે રિકાર્ડો ક્વારેસમાના શાનદાર ગોલની મદદથી રશિયામાં રમાઈ રહેલા ફિફા વિશ્વકપમાં ગઈ કાલે રમાયેલી ગ્રૂપ-બીની રોમાંચક મેચમાં ઈરાન સામેની મેચ ૧-૧થી ડ્રો કરી હતી.

આ ડ્રો સાથે જ પોર્ટુગલે ગ્રૂપ સ્તરની ત્રણેય મેચમાં પાંચ પોઇન્ટ હાંસલ કર્યા અને પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને રહીને ટૂર્નામેન્ટના અંતિમ-૧૬માં સ્થાન મેળવી લીધું છે, જ્યારે ઈરાન ત્રણ મેચમાં ફક્ત ચાર પોઇન્ટ જ હાંસલ કરી શકી હતી અને ત્રીજા સ્થાને રહેતા તે નોકઆઉટની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નેતૃત્વમાં પાછલી બંને મેચની જેમ આ મેચમાં પોર્ટુગલે ઝડપી શરૂઆત કરી હતી અને ત્રીજી જ મિનિટે રોનાલ્ડોને બોક્સની અંદર ડાબે છેડેથી ગોલ કરવાની તક મળી હતી. રોનાલ્ડોએ સારો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ગોલ કરી શક્યો નહોતો.

પ્રથમ હાફ સમાપ્ત થવાની થોડી ક્ષણો પહેલાં પોર્ટુગલના મિડફિલ્ડર રિકાર્ડો ક્વારેસમાએ બોક્સના જમણા છેડેથી શાનદાર ગોલ કરીને પોતાની ટીમને ૧-૦ની સરસાઈ અપાવી દીધી હતી.

મેચ સમાપ્ત થતા પહેલાંના ઇન્જરી ટાઇમ (૯૩મી મિનિટે) રેફરીએ વીએઆરની મદદ લીધી અને આ વખતે ઈરાનને પેનલ્ટી મળી. કરીમ અન્સારીફર્દે બોલને ગોલપોસ્ટમાં ધકેલીને સ્કોર ૧-૧થી લેવલ કરી દીધો હતો. જોકે આ ડ્રોમાં ગયેલી મેચ ઈરાનને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડી શકી નહોતી. હવે વિશ્વકપના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલનો મુકાબલો આગામી શનિવારે ઉરુગ્વે સામે થશે.

You might also like