ઈંગ્લેન્ડ-સ્વિડનઃ જે ટીમ જીતશે તે આ સદીમાં પ્રથમ વાર સેમિફાઇનલમાં રમશે

સમારાઃ રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપની ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે હેરી કેનના નેતૃત્વમાં ઈંગ્લેન્ડનો સામનો સમારા એરિનામાં સ્વિડન સામે થશે. બંને ટીમ પાસે આ મેચમાં ઇતિહાસ રચવાની તક છે. આ બંનેમાંથી જે પણ ટીમ સેમિફાઇનલમાં પહોંચશે તે વર્ષોથી ચાલતા આવેલા સેમિફાઇનલમાં પહોંચવાના પોતાના દુષ્કાળને ખતમ કરી દેશે.

સ્વિડને ૧૯૯૪ બાદથી ક્યારેય સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો નથી. ૧૯૯૪માં સ્વિડન ત્રીજા સ્થાને રહ્યું હતું. ઈંગ્લેન્ડ ૧૯૯૦માં ઇટાલીમાં રમાયેલા વર્લ્ડકપમાં ચોથા સ્થાન પર રહ્યું હતું, પરંતુ ત્યાર બાદથી તે ક્યારેય સેમિફાઇનલમાં પહોંચી શક્યું નથી. આ સ્થિતિમાં બંને ટીમની કોશિશ વર્તમાન સદીમાં પ્રથમ વાર સેમિફાઇનલમાં રમવા પર રહેશે.

સ્વિડને સ્વિટ્ઝર્લેન્ડને માત આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે ઈંગ્લેન્ડે કોલંબિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બંને ટીમની તાકાત એકબીજાથી તદ્દન ઊલટી છે. સ્વિડનનું ડિફેન્સ જોરદાર છે, જ્યારે ઈંગ્લેન્ડનું આક્રમણ. મેચમાં આ બંને વચ્ચે રોમાંચક મુકબલાની આશા રાખવામાં આવી રહી છે. સ્વિડને અત્યાર સુધી રમેલી ચાર મેચમાં ફક્ત બે ગોલ ખાધા છે.

ઈંગ્લેન્ડની નજરે જોવામાં આવે તો જો કોલંબિયા સામે થયેલા પેનલ્ટી શૂટઆઉટને હટાવી દેવામાં આવે તો ઈંગ્લેન્ડે અત્યાર સુધીમાં ચાર ગોલ ખાધા છે. સ્વિડને અત્યાર સુધીમાં કુલ છ ગોલ કર્યા છે, જ્યારે ઈંગ્લેન્ડે નવ ગોલ કર્યા છે, જેમાં છ ગોલ તો એકલા કેપ્ટન હેરી કેને કર્યા છે. તે ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ છે.

આજની મેચમાં જોવાનું એ રહેશે કે સ્વિડનનું ડિફેન્સ ઈંગ્લેન્ડના મજબૂત આક્રમણને રોકી શકે છે કે કેમ? જોકે સ્વિડન માટે ડિફેન્સમાં એક જોખમ એ છે કે તેનો ખેલાડી મિકાએલ લસ્ટિંગ યલો કાર્ડને કારણે પ્રતિબંધનો સામનો કરી રહ્યો છે અને તે આજની મેચમાં રમી શકવાનો નથી.

સ્વિડન માટે સારી વાત એ છે કે મિડફિલ્ડર સેબસ્ટિયન લાર્સન પ્રતિબંધ બાદ આજની મેચમાં વાપસી કરી રહ્યો છે. લસ્ટિંગની ગેરહાજરીમાં સ્વિડનનું ડિફેન્સ હેરી કેન અને તેના સાથીઓને કેવી રીતે રોકી શકે એ અંગેની ખાસ રણનીતિ સ્વિડનના કોચે તૈયાર કરવી પડશે.

ઈંગ્લેન્ડનો બધો આધાર કેપ્ટન હેરી કેન પર રહેશે. તેના દમ પર ઈંગ્લેન્ડે વર્લ્ડકપમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ૧૯૬૬ના વર્લ્ડકપના વિજેતા ઈંગ્લેન્ડ માટે પણ આજની મેચ પહેલાં ખરાબ સમાચાર આવ્યા છે. તેનાે સ્ટાર ખેલાડી જેમ્સ વર્ડી આ મહત્ત્વપૂર્ણ મેચમાં રમશે કે કેમ તે અંગે શંકા સેવાઈ રહી છે. કેન ઉપરાંત મિડફિલ્ડર જેસે લિંગાઈ અને ફોરવર્ડ ખેલાડી રહીમ સ્ટર્લિંગને પણ આ મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે.

You might also like