કોલંબિયાએ 3-0થી હરાવીને પોલેન્ડને નોકઆઉટની રેસમાંથી બહાર ફેંકી દીધું

કજાનઃ ગત વિશ્વકપમાં છ ગોલ કરનારા મિડફિલ્ડર જેમ્સ રોડ્રિગ્ઝ અને કેપ્ટન રાડમેલ ફાલ્કાઓએ પોતાની ખ્યાતિને અનુરૂપ પ્રદર્શન કરતાં ફિફા વિશ્વકપમાં પોતાની ટીમ કોલંબિયાને નોકઆઉટની રેસમાંથી બહાર થતી બચાવી લીધી. યેરી મીના, ફાલ્કાઓ અને કુલાડ્રાડોના ગોલની મદદથી દુનિયાની ૧૬મા નંબરની ટીમ કોલંબિયાએ ગ્રૂપ-એચના મુકાબલામાં આઠમા નંબરની ટીમ પોલેન્ડને ૩-૦થી હરાવીને તેને નોકઆઉટની રેસમાંથી બહાર ફેંકી દીધું.

જોકે રોડ્રિગ્ઝ ગોલ નહોતો કરી શક્યો, પરંતુ તેણે બે ગોલ કરવામાં મદદ કરી હતી. વિશ્વકપના ઇતિહાસમાં કોલંબિયા અને પોલેન્ડ પહેલી વાર એકબીજા સામે ટકરાયા હતા, જેમાં કોલંબિયાની ટીમ બાજી મારી લેવામાં સફળ રહી હતી. ગત મેચમાં પોલેન્ડની ટીમ ૧-૨થી હારી ગઈ હતી, જ્યારે જાપાને ૨-૧થી કોલંબિયાને માત આપી હતી.

જોકે રોડ્રિગ્ઝ પર કોલંબિયાની ટીમે વિશ્વાસ વ્યક્ત કરીને પોલેન્ડ સામેની મેચ માટે મેદાનમાં ઉતાર્યો હતો અને તેણે બે ગોલ કરવામાં મદદ કરી હતી. મીનાએ કોલંબિયાનું ખાતું ખોલ્યું પ્રથમ હાફની શરૂઆતમાં બંને ટીમ મિડફિલ્ડમાં રમતી રહી, પરંતુ ૩૧મી મિનિટે કોલંબિયાના એબેલ અગુઇલરને ઈજાગ્રસ્ત થઈને મેદાનમાં બહાર જવું પડ્યું. તે ઊભો પણ થઈ શકતો નહોતો તેથી તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવો પડ્યો.

ત્યાર પછીની બે મિનિટ બાદ કોલંબિયાને કોર્નર મળ્યો, પરંતુ પોલેન્ડના ડિફેન્સે તેને બેકાર બનાવી દીધો. ૩૭મી મિનિટે કોલંબિયા પાસે ફરીથી ગોલ કરવાની તક હતી, પરંતુ બોલ ગોલપોસ્ટ સાથે કરાઈને બહાર ચાલ્યો ગયો. કોર્નરથી કોલંબિયાના ખેલાડી રોડ્રિગ્ઝે કિક મારી, પરંતુ પોલેન્ડના ગોલકીપરે આગળ આવીને બોલ ઝીલી લીધો હતો.

વધુ આક્રમણ કરવાનો ફાયદો કોલંબિયાનો ૪૦મી મિનિટે ગોલના સ્વરૂપમાં મળ્યો હતો. રોડ્રિગ્ઝે બોક્સની અંદર શાનદાર પાસ આપ્યો અને ત્યાં હાજર મીનાએ ઝડપથી હેડર મારીને બોલને ગોલપોસ્ટમાં મોકલી આપ્યો હતો. આમ, પ્રથમ હાફ કોલંબિયાની ૧-૦થી પોતાના નામે કરવામાં સફળ રહી હતી.

ફાલ્કાઓ માટે સોનેરી પળ
૭૦મી મિનિટે કોલંબિયાના ફાલ્કાઓ માટે સોનેરી પળ આવી, જે તેણે ગુમાવી નહોતી. ફાલ્કાઓએ ‘ડી’ની અંદર ચાલાકીથી જમણા પગે બોલને ગોલપોસ્ટમાં મોકલને કોલંબિયાની ટીમે ૨-૦થી આગળ કરી દીધી હતી. ફાલ્કાઓ ગત વિશ્વકપમાં ઈજાગ્રસ્ત હોવાને કારણે રમી શક્યો નહોતો, આમ તેણે વિશ્વકપમાં પોતાનો પ્રથમ ગોલ કર્યો હતો.

પાંચ મિનિટ બાદ જ રોડ્રિગ્ઝે ૩૦ વર્ષીય મિડફિલ્ડર જુઆન કુલાડ્રાડોને પાસ આપ્યો અને તેણે લગભગ હાફ પિચથી ઝડપથી દોડીને બોલને ગોલપોસ્ટમાં મોકલી આપ્યો હતો. એ સમયે ગોલપોસ્ટ પાસે ગોલકીપર સિવાય પોલેન્ડનો અન્ય કોઈ ડિફેન્ડર હાજર નહોતો.
પ્રથમ મેચમાં સેનેગલ સામે હારી જનારી પોલેન્ડની ટીમની નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની આશા આ પરાજય સાથે સમાપ્ત થઈ ગઈ છે.

You might also like