‘કર કે દિખલા દે ગોલ’: ૧૧ દિવસ બાદ મેદાન પર થશે નવા યુગની શરૂઆત

નવી દિલ્હીઃ ફિફા અંડર-૧૭ વર્લ્ડકપનું થીમ સોંગ ‘કરકે દિખલા દે ગોલ’ લોંચ થઈ ગયું છે. આ સાથે જ ભારતમાં પહેલી વાર યોજાઈ રહેલી આ ટૂર્નામેન્ટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આજથી ૧૩ દિવસ બાદ નવી દિલ્હીમાં તા. ૬ ઓક્ટોબરથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થવાની સાથે જ ૨૩ દિવસ દરમિયાન છ શહેરમાં ૨૪ ટીમ વચ્ચે કુલ બાવન મેચમાં ‘ગોલ… ગોલ…’નો સૂર સાંભળવા મળશે.

ભારતીય ફૂટબોલ ચાહકોને તા. ૬ ઓક્ટોબરથી શરૂ થનારા વિશ્વકપ પહેલાં તા. ૪ ઓક્ટોબર ને બુધવારે મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાનારી ફ્રેન્ડલી મેચમાં દિગ્ગજ ફૂટબોલ ખેલાડીઓને જોવાની તક મળશે. આ મેચની મજા ફ્રીમાં માણી શકાશે, કારણ કે આ મેચ માટે કોઈ ટિકિટ રાખવામાં આવી નથી. આ મેચમાં કાર્લોસ વાલ્ડેરામા, ફર્નાન્ડો મોરિનતેસ, માર્સેલ ડેસાઇલી, જ્યોર્જ કેમ્પોસ અને એમાનુએલ એક્યુનેકે જેવા દિગ્ગજો મેદાનમાં ઊતરવાના છે.

ભારતનાં કુલ છ શહેર – દિલ્હી, મુંબઈ, ગોવા, ગૌહાટી, કોચી અને કોલકાતા તા. ૬ ઓક્ટોબરે શરૂ થનારી આ મેગા ઇવેન્ટની યજમાની માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ સાથે જ યજમાન દેશ તરીકે ભારતીય ટીમ પણ ૩૨ વર્ષમાં પહેલી વાર આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં પોતાનો દમ દેખાડવા ઉત્સુક છે. ટૂર્નામેન્ટની ટ્રોફી દિલ્હી બાદ અન્ય પાંચ શહેરોના ભ્રમણ માટે નીકળી ચૂકી છે. આ ટ્રોફી નિહાળવા માટે દર્શકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ત્રણ ટીમ આ ટૂર્નામેન્ટમાં પહેલી પદાર્પણ કરી રહી છે, જેમાં યજમાન ભારત ઉપરાંત નાઇજિરિયા અને ન્યૂ કેલોડોનિયા સામેલ છે. આ મેગા ઇવેન્ટની પહેલી ટિકિટ સ્પેનના ભૂતપૂર્વ ફૂટબોલર કાર્લોસ પિયોલના હસ્તે શિવદાસ ભાટુડીના પરિવારને અર્પણ કરાઈ હતી. શિવદાસ ૧૯૧૧માં આઇએફએ શિલ્ડ જીતનારી મોહન બાગાન ટીમના કેપ્ટન હતા.

પહેલી વાર ઓસિયાનની બે ટીમો ફિફા અંડર-૧૭ વિશ્વકપ માટે ક્વોલિફાય કર્યું છે. જોકે આ પહેલાં ૧૯૯૯માં કન્ફેડરેશન તરફથી બે ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાએ ક્વોલિફાય કર્યું હતું, જ્યારે ન્યૂઝીલેન્ડને યજમાન હોવાને કારણે રમવાનો હક મળ્યો હતો.

• સ્વિટ્ઝર્લેન્ડ અને સોવિયેત યુનિયનની જ એવી બે ટીમ છે, જે પોતાની પહેલી જ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની. દિલચસ્પ વાત તો એ છે કે ટૂર્નામેન્ટ જીત્યા બાદ આમાંથી એક પણ ટીમ ફરીથી ક્વોલિફાય કરી શકી નથી.
• મેક્સિકો એકમાત્ર એવો દેશ છે, જેણે યજમાનના રૂપમાં ફિફા અંડર-૧૭નો ખિતાબ જીત્યો હોય. મેક્સિકોએ ૨૦૧૧ની ફાઇનલમાં ઉરુગ્વેને ૨-૦થી માત આપી હતી.
• બ્રાઝિલ અને નાઇજિરિયા જ એવી બે ટીમ છે, જેણે સતત અંડર-૧૭ વિશ્વકપ ખિતાબ પર કબજો જમાવ્યો હોય. બ્રાઝિલે ૧૯૯૭ અને ૧૯૯૯માં, જ્યારે નાઇજિરિયાએ ૨૦૧૩ અને ૨૦૧૫માં આવું કર્યું હતું.
• ઈરાન એકમાત્ર એવી ટીમ છે, જેણે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ જીતી નથી. આ પહેલાં ઈરાનની ટીમ ૨૦૧૩માં રમી હતી અને કોઈ મેચ જીતી શકી નહોતી.

You might also like