‘ક્રિકેટનો બાદશાહ’ ફૂટબોલના મહાપર્વની યજમાની માટે થનગને છે

કોલકાતાઃ ક્રિકેટનો બાદશાહ દેશ હવે રમતોની બાદશાહ કહેવાતી ફૂટબોલની રમતના મહાપર્વની યજમાની કરવા તૈયાર છે. ભારતમાં પહેલી વાર આયોજિત થઈ રહેલા ફિફા અંડર-૧૭ વર્લ્ડકપ માટે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, ગોહાટી અને કોચ્ચીનાં સ્ટેડિયમ સંપૂર્ણપણે તૈયાર છે.

આવતી કાલ તા. ૬ ઓક્ટોબરે કાઉન્ટડાઉન સમાપ્ત થઈ જશે, જ્યારે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં કોલંબિયા અને ઘાનાની ટીમો ઉદ્ઘાટન મેચમાં એકબીજા સામે ટકરાશે. એ મેચ બાદ આ જ ગ્રાઉન્ડમાં યજમાન ભારત પોતાની પહેલી વાર પોતાના અંડર-૧૭ વિશ્વકપના અભિયાનનો પ્રારંભ અમેરિકા સામે કરશે. અમર‌િજતસિંહના નેતૃત્વમાં ભારતીય ટીમ જીત સાથે શરૂઆત કરવા ઇચ્છે છે.

ભારત ભલે વૈશ્વિક ફૂટબોલમાં નજરે પડતું ના હોય, પરંતુ આ આયોજને દેશમાં ફૂટબોલ પ્રત્યેની દીવાનગી ઘણી હદે વધારી દીધી છે. ફૂટબોલ નગરી કોલકાતા આમાં ટોચ પર છે. કદાચ એટલે જ આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ‌િડએગો મારાડોનાએ અહીં તા. ૮ ઓક્ટોબરે ફરીથી આવવાનો નિર્ણય કર્યો છે.

કોલકાતામાં દુર્ગોત્સવ બાદ ફૂટબોલોત્સવની તૈયારી
બંગાળ માટે બહુ જૂની કહેવત છેઃ ‘બારો માસે તેરો પાર્બન’ એટલે કે બંગાળમાં ૧૨ મહિનામાં ૧૩ પર્વ મનાવવામાં આવે છે. રાજ્યનું સૌથી મોટું પર્વ દુર્ગાપૂજા તાજેતરમાં સંપન્ન થયું છે. હવે કાલીપૂજા અને દિવાળી છે, પરંતુ આ બંને પર્વની વચ્ચે ફૂટબોલ નગરીના લોકો વધુ એક મહાપર્વ મનાવવા માટે થનગની રહ્યા છે. આ પર્વ છે – અંડર-૧૭ ફૂટબોલ વર્લ્ડકપ. દુર્ગાપૂજા પૂરી થતાં જ ફૂટબોલ ફીવર શહેર પર છવાઈ ગયો છે. ગત મંગળવારની સાંજે રસ્તા પર દુર્ગા પ્રતિમાઓની નીકળેલી શોભાયાત્રામાં જ આનું પ્રત્યક્ષ ઉદાહરણ જોવા મળ્યું હતું. આ શોભાયાત્રામાં ભાગ લેનારી મોટા ભાગની દુર્ગા કમિટીઓ દ્વારા દર્શાવવામાં આવેલી ઝાંખીઓમાં ફૂટબોલ વિશ્વકપની ઝલક જોવા મળી હતી. ‘સિટી ઓફ જોય’ પૂજા કાર્નિવલથી ફૂટબોલની આ વૈશ્વિક ટૂર્નામેન્ટનું સ્વાગત કરતું નજરે પડ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરાયેલા આ કાર્નિવલમાં વિશ્વકપમાં ભાગ લેવા કોલકાતા પહોંચેલી ઇરાક, ચિલી અને ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમને ખાસ આમંત્રિત કરવામાં આવી હતી. કાર્નિવલમાં આ દેશોમાંથી મેચ જોવા આવેલા વિદેશી નાગરિકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

ફૂટબોલ પ્રેમીઓના શહેર કોલકાતાને હવે તા. ૮ ઓક્ટોબરનો ઇંતેજાર છે. આ દિવસે વિવેકાનંદ યુવાભારતી ક્રીડાંગણમાં વિશ્વકપની બે મેચ રમાવાની છે. પહેલી મેચ ચિલી-ઈંગ્લેન્ડ વચ્ચે અને બીજી મેચ ઇરાક-મેક્સિકો વચ્ચે. આ ઉપરાંત આ વિશ્વકપની ફાઇનલ પણ તા. ૨૮ ઓક્ટોબરે કોલકાતામાં જ રમાવાની છે.

You might also like