ફિફા અંડર-૧૭ વિશ્વકપ: ૮૭ વર્ષ બાદ ભારતે કરી દેખાડ્યું

નવી દિલ્હીઃ અહીંના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ગઈ કાલે ફિફા અંડર-૧૭ વિશ્વકપની શરૂઆત સાથે ઇતિહાસ રચાઈ ગયો અને આ પળના સાક્ષી ખુદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા. ભારતને પહેલી વાર ફિફા વિશ્વકપની યજમાની કરવાનું ગૌરવ મળ્યું છે. ફૂટબોલ વિશ્વકપના ૮૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ભારતનું નામ અંકિત થયું. ૧૯૩૦માં ઉરુગ્વેમાં પહેલાે ફિફા વિશ્વકપ અને ૧૯૮૫માં ચીનમાં પહેલા અંડર-૧૭ વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ભારત આ ટૂર્નામેન્ટથી દૂર જ રહ્યું હતું. ગઈ કાલે રાજધાનીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ઘાના-કોલંબિયા અને નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ-તુર્કીની મેચ સાથે ભારતે પહેલી વાર કોઈ ફિફા વિશ્વકપની યજમાની કરવાનું ગૌરવ મેળવ્યું.

ભારતની મેચ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં પહોંચી ગયા હતા. અખિલ ભારતીય ફૂટબોલ સંઘના અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ અને કેન્દ્રીય રમતગમત પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડની હાજરીમાં મોદીએ બાઇચુંગ ભૂટિયા, પી. કે. બેનરજી, આઇ.એમ. વિજયન, સુનીલ છેત્રી, બેમબેમ દેવી, સૈયદ નઈમુદ્દીન સહિત ભારતના ૧૨ મહાન ફૂટબોલરનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

આજે બ્રાઝિલ-સ્પેન વચ્ચે જોરદાર ટક્કર
કોચ્ચીઃ ફૂટબોલપ્રેમી શહેર કોચ્ચીમાં આજે સાંજે ૫.૦૦ વાગ્યે દક્ષિણ અમેરિકા ચેમ્પિયન બ્રાઝિલ અને યુરોપીય ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટની વિજેતા સ્પેન વચ્ચે અહીંના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાનારી મેચથી વધુ સારી ટક્કરની તમે આશા રાખી શકો નહીં. બ્રાઝિલ અહીંના પ્રશંસકોની સૌથી પ્રિય ટીમ છે અને સ્પેનને લાગશે કે તેઓ જાણે રિયો અથવા સાઓ પાઉલોમાં રમી રહ્યા છે. એ અલગ વાત છે કે આ વખતે દર્શકોનો શોર બહુ નહીં હોય, કારણ કે ફિફાએ દર્શકોની ક્ષમતા ઘટાડીને ૨૯,૨૦૦ કરાવી દીધી હતી. આજે સ્ટેડિયમમાં જે કંઈ થશે તેને બ્રાઝિલની આક્રમક રમત અને સ્પેનની ડિફે‌િન્સવ તેમજ આક્રમક રમતનો રોમાંચક મુકાબલો જોવા મળશે. આ મેચને ફાઇનલ પહેલાંના ફાઇનલ જંગ તરીકે જોવામાં આવી રહી છે. બ્રાઝિલ અંડર-૧૭માં પણ બહુ જ મજબૂત ટીમ છે. અહીં આવતાં પહેલાં ૧૬માંથી ૧૫ વાર અંડર-૧૭ વિશ્વકપમાં બ્રાઝિલની ટીમ રમી ચૂકી છે, જેમાંથી ૧૯૯૭, ૧૯૯૯ અને ૨૦૦૩માં ખિતાબ પણ જીતી ચૂકી છે. બીજી તરફ સ્પેનની ટીમ પણ નવમી વાર આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે અને પોતાનાે પ્રથમ ફિફા અંડર-૧૭ વિશ્વકપ જીતવા માટે ઉત્સુક છે.

નોર્થ કોરિયાનો સામનો નાઇજિરિયા સામે
આજના દિવસના બીજા મુકાબલામાં નોર્થ કોરિયાનો સામનો નાઇજિરિયા સામે કોચ્ચીમાં જ રાત્રે ૮.૦૦ વાગ્યે થશે, જેમાં ઉત્તર કોરિયાની ટીમને ફેવરિટ માનવામાં આવી રહી છે.

કોસ્ટારિકા સામે ટકરાવા જર્મની તૈયાર
ગોવાઃ અત્યાર સુધી ફિફા અંડર-૧૭ વિશ્વકપ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહેલી જર્મનીની ટીમ પહેલી વાર સાંજે ૫.૦૦ વાગ્યે ગોવામાં જુનિયર સ્તર પર ચેમ્પિયન બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે ભારતમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં કોસ્ટારિકા સામે ટકરાશે. જર્મની દસ વાર આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યું છે, પરંતુ તેણે એક પણ વાર ખિતાબ જીત્યો નથી. આ વખતે જર્મની આ ટ્રોફી જીતવા માટે પ્રતિબદ્ધ છે. જર્મનીની ટીમ પરિસ્થિતિ સાથે તાલમેલ મેળવવા માટે વહેલી અહીં આવી પહોંચી હતી. પાછલા ચાર દિવસથી ટીમના ખેલાડીઓએ પ્રેક્ટિસની સાથે સાથે યોગ પણ કર્યા હતા.

કોસ્ટારિકાની ટીમ ૩ ઓક્ટોબરે ગોવા આવી પહોંચનારી સૌથી છેલ્લી ટીમ હતી. તેણે છેલ્લા બે દિવસથી અલગ અલગ મેદાન પર પ્રેક્ટિસ કરી છે. કોસ્ટારિકાની ટીમ દસમી વાર આ ટૂર્નામેન્ટમાં રમી રહી છે. તેનું સૌથી સફળ અભિયાન વર્ષ ૨૦૦૧થી ૨૦૦૭ દરમિયાન રહ્યું હતું. આ દરમિયાન તે દરેક વખતે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી હતી.

ઈરાન વિરુદ્ધ ગિની
ગોવામાં-આજની બીજી મેચ રાત્રે ૮.૦૦ વાગ્યે ઈરાન અને ગિની વચ્ચે રમાશે. આ મેચમાં દર્શકોની પાંખી હાજરી રહે તેવી શક્યતા છે.

You might also like