૯૦૦૦ કિ.મી.ની સફર કરશે ફિફા વિશ્વકપ અંડર-૧૭ ટ્રોફી

નવી દિલ્હીઃ ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપ માટે છ શહેરની ટ્રોફીના પ્રવાસનો રાજધાની ખાતેથી ૧૭મી ઓગસ્ટે પ્રારંભ થશે, એમ સ્થાનિક આયોજન સમિતિએ જણાવ્યું હતું. વિશ્વકપ ટ્રોફી આ પ્રવાસ દરમિયાન લગભગ ૯,૦૦૦ કિલોમીટરનું અંતર ૧૭મી ઓગસ્ટથી ૨૬મી સપ્ટેમ્બર દરમિયાન ૪૦ દિવસમાં કાપશે.

સ્થાનિક સમિતિના ચેરમેન પ્રફુલ પટેલના જણાવ્યા પ્રમાણે ફૂટબોલ ચાહકોને યુવા વર્લ્ડ કપની ટ્રોફીને નવી દિલ્હીથી છ શહેરમાં જોવાની તક મળશે. ભારત સ્પર્ધામાં તેની વિભાગીય મેચો નવી દિલ્હી ખાતે જ રમનાર છે કે જ્યાં ટ્રોફીને ૧૭થી ૨૨ ઓગસ્ટ સુધી પ્રદર્શિત કરાશે. ત્યાર પછી ટ્રોફી ગુવાહાટી (૨૪થી ૨૯ ઑગસ્ટ), કોલકાતા (૩૧ ઑગસ્ટથી ૫ સપ્ટેમ્બર), ગોવા (૧૪થી ૧૯ સપ્ટેમ્બર) અને આખરી સ્થાન તરીકે કોચી (૨૧થી ૨૭ સપ્ટેમ્બર) ખાતે લાવવામાં આવશે. ભારતમાં ફિફાની સ્પર્ધાનું પ્રથમ વાર તા. ૬થી ૨૮ ઑક્ટોબર દરમિયાન આયોજન કરાનાર છે, જેની ફાઇનલ મેચ કોલકાતામાં રમાશે.

You might also like