ફિફા ૨૦૧૮ વર્લ્ડકપઃ ૩૨ વર્ષ બાદ પહેલી વાર USની ટીમ ક્વોલિફાય કરવાથી ચૂકી

ત્રિનિદાદઃ વર્ષ ૨૦૧૮ના ફિફા વર્લ્ડકપ માટે અમેરિકા આ વખતે ક્વોલિફાય કરી શક્યું નથી. ૩૨ વર્ષમાં એવું પહેલી વાર બનશે કે ફિફા વર્લ્ડકપમાં અમેરિકાની ટીમ નહીં હોય. આ પહેલાં ૧૯૮૬માં અમેરિકા ફિફા વર્લ્ડકપમાં નહોતું રમ્યું. ત્રિનિદાદ એન્ડ ટોબેગો સામે થયેલા પરાજય બાદ અમેરિકા ફિફા વર્લ્ડકપની દોડમાંથી બહાર થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮નો ફિફા વર્લ્ડકપ રશિયામાં રમાવાનો છે. અમેરિકાએ ૧-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો અને આ પરાજય સાથે તેમનું ૨૦૧૮ના વર્લ્ડકપમાં રમવાનું સપનું રોળાઈ ગયું હતું. ગઈ કાલે રાત્રે રમાયેલી મેચમાં ત્રિનિદાદ એન્ડ ટોબેગોની ટીમે પહેલા હાફમાં જ ૨-૦ની સરસાઈ મેળવી લીધી હતી. ત્યાર બાદ બીજા હાફમાં અમેરિકા ફક્ત એક જ ગોલ કરી શક્યું હતું. ફિફા વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરવા માટે અમેરિકાને કમ સે કમ ડ્રો કરાવવાની જરૂર હતી, પરંતુ અમેરિકા એવું કરી શક્યું નહીં.

You might also like