૨૦૧૦ જ્યારે સૌથી ઓછા ગોલ કરવા છતાં સ્પેન ચેમ્પિયન બન્યું

ફિફા વર્લ્ડકપ-૨૦૧૦ દક્ષિણ આફ્રિકામાં યોજવામાં આવ્યો હતો. પ્રથમ વાર દક્ષિણ આફ્રિકા ફૂટબોલ વર્લ્ડકપની મેજબાની કરી રહ્યું હતું. ૧૧ જૂનથી ૧૧ જુલાઈ સુધી આયોજિત આ વર્લ્ડકપ સ્પેને જીત્યો હતો. સ્પેનની આ પ્રથમ વર્લ્ડકપ ટ્રોફી હતી. ફાઈનલમાં સ્પેને નેધરલેન્ડને ૧-૦થી હરાવીને ટ્રોફી જીતી હતી.

વર્લ્ડ કપની ખાસ તૈયારી
પ્રથમ વાર વર્લ્ડકપની મેજબાની કરી રહેલ દક્ષિણ આફ્રિકાએ તેના માટે વર્ષો અગાઉથી આયોજનની તૈયારી શરૂ કરી દીધી હતી. આ વર્લ્ડકપ માટે દક્ષિણ આફ્રિકામાં પાંચ નવાં સ્ટેડિયમ બાંધવામાં આવ્યાં હતાં, પરંતુ મજૂરો હડતાળ પર ઊતરી જતાં ૮ જુલાઈ, ૨૦૦૯ના રોજ આ અંગે વિવાદ છેડાયો હતો.

ડીએગો ફોર્લાનને ગોલ્ડન બોલ મળ્યો
આ વર્લ્ડકપમાં ૩૨ ટીમ ક્વોલિફાય થઈ હતી. દક્ષિણ કોરિયા, અમેરિકા, સ્લોવેકિયા, ચીલી, મેક્સિકો, ઈંગ્લેન્ડ, જાપાન, પોર્ટુગલની ટીમ પ્રથમ રાઉન્ડમાં જ ફેંકાઈ ગઈ હતી. ઉરુગ્વેની ટીમ ભલે વર્લ્ડકપ જીતી શકી નહીં, પરંતુ તેની ટીમના ડીએગો ફોર્લાનને આ વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરવા બદલ ગોલ્ડન બોલ પ્રાપ્ત થયો હતો. ફોર્લાને પાંચ ગોલ કર્યા હતા અને ગોલ્ડન બોલ માટે હકદાર બન્યો હતો. આ ઉપરાંત જર્મનીના થોમસ મુલર, નેધરલેન્ડના વેસ્લે સ્નેડેર, સ્પેનના ડેવિડ વીલાએ પણ આ ટૂર્નામેન્ટમાં પાંચ ગોલ કર્યા હતા. મુલરને પણ ગોલ્ડન બૂટનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો, જ્યારે સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો એવોર્ડ સ્પેનના ઈકેર કાસીલાસના ફાળે ગયો હતો. સર્વશ્રેષ્ઠ યુવાન ખેલાડીનો એવોર્ડ જર્મનીના થોમસ મુલરને આપવામાં આવ્યો હતો.

ડ્રીમ ટીમ બની હતી
આ વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીઓની એક ડ્રીમ ટીમ બની હતી. આ ટીમમાં ગોલકીપર સ્પેનના ઈકેર કાસીલાસ, ડિફેન્ડરમાં સ‌િર્જયો રામોસ, કાર્લ્સ કુયોલ, બ્રાઝિલનો મેકોન, જર્મનીનો ફિલિપ લામ, મીડ ફિલ્ડર સ્પેનનો એડ્રિયાસ ઈનેસ્તા, સ્પેનનો શ્રાવી, જર્મનીનો બાસ્તિયાન, નેધરલેન્ડનો સ્નેડેર, સ્ટ્રાઈકરમાં ઉરુગ્વેનો ડીએગો ફોર્લાન, સ્પેનનો ડેવિડ વીલા અને કોચ સ્પેનનો વેસેટ ડેલ બોસ્કનો સમાવેશ થતો હતો.
જકુમી મેસ્કોટ હતો

વર્લ્ડકપ-ર૦૧૦નો મેસ્કોટ જકુમી હતો. જકુમી એક આફ્રિકન ચિત્તો હતો, જેના વાળ લીલા હતા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૧૦ના વર્લ્ડકપમાં કુલ ૮૪ મેચ રમાઈ હતી.

You might also like