બિહારમાં લઠ્ઠાકાંડઃ પાંચનાં મોત

પટણા: બિહારમાં દારૂબંધી છે, પરંતુ ત્યાં દારૂ વેચનારા અને દારૂ પીનારા આ ઝુંબેશને સંપન્ન થવા સામે રોડાં નાંખી રહ્યા છે તેની અસર એવી થઈ રહી છે કે દારૂ પીનારાઓને પણ પોતાના જીવ ગુમાવવા પડે છે. બિહારના રોહતાસમાં લઠ્ઠો પીવાથી પાંચ લોકોનાં મોત થયાં છે અને ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ડીઆઈજી રહેમાને રોહતાસમાં ઝેરી શરાબ પીવાના કારણે પાંચનાં મોત થયા હોવાના અહેવાલને સમર્થન આપ્યું છે. ઝેરી શરાબ પીવાથી થયેલા મોતના મામલામાં શાહાબાદ રેન્જના ડીઆઈજીએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારના સ્ટેશન હાઉસ ઓફિસરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત એકસાઈઝ અધિકારીઓ સામે પણ કાર્યવાહી તોળાઈ રહી છે. ઘટના સ્થળે જવા ડીઆઈજી, એસપી અને ડીએમ રવાના થઈ ગયા છે.

રોહતાસના દનવર વિસ્તારમાં લઠ્ઠાકાંડમાં થયેલા મૃત્યુથી કેટલાય પરિવારોમાં શોક અને આઘાત વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ સાલ બિહારના ગોપાલગંજ જિલ્લામાં ઝેરી શરાબ પીવાથી ૧૬ લોકોનાં મોત થયાં હતાં. ત્યાર બાદ આ વિસ્તારના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સહિત ૨૫ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ ૨૦૧૬માં બિહારમાં સંપૂર્ણ દારૂબંધી લાદવામાં આવી હતી અને ત્યાર બાદ તેની સાથે સંકળાયેલ કાયદો ચર્ચાસ્પદ બન્યો હતો.

You might also like