ચીનના કેમિકલ પ્લાન્ટમાં ભીષણ બ્લાસ્ટ: 22નાં મોત, અનેક ઘાયલ

બીજિંગ: ચીનમાં એક ભયંકર ઔદ્યોગિક દુર્ઘટનામાં રર લોકોના મોત થયા છે અને અનેક મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ઉત્તરીય ચીનના હેબેઈ રાજ્યના ઝાંગજિયાકોઉ શહેરમાં આવેલા એક કેમિકલ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટો થયા હતા. આ ઘટના સ્થાનિક સમય અનુસાર મંગળવારે રાતે ૧ર.૪૦ કલાકે બની હતી. આ કેમિકલ પ્લાન્ટ બીજિંગથી ર૦૦ કિલોમીટર દૂર આવેલી છે.
લોકલ પ્રોપેગેન્ડા ડિપાર્ટમેન્ટે વીબો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું છે કે, બ્લાસ્ટ રાજધાની બીજિંગથી ર૦૦ કિમી દૂર ઝાંગજિયાકોઉ સ્થિત હીબેઈ શેંગુઆ કેમિકલ કંપનીમાં થયો હતો. આ બ્લાસ્ટ બાદ ફાટી નીકળેલી આગમાં પ૦ ટ્રક અને ૧ર અન્ય વાહનો પણ સળગીને ખાખ થઈ ગયા હતા. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, ટ્રેક અને પ્લાન્ટનો કાટમાળ કીલોમીટર દૂર આવેલા મુખ્ય રસ્તા પર વિખરાયેલો નજરે પડે છે. હાલ બ્લાસ્ટ ક્યા કારણસર થયો તેની કોઈ માહિતી મળી નથી.
કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ અને આગની જાણ થતા જ ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ ઘટનામાં ઘાય.લ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ અને ફાયરબ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે મોટાભાગના લોકોના મોત આગ અને ધુમાડાના કારણે થયા છે. કેમિકલ પ્લાન્ટમાં ફાયર સેફ્ટીની સુવિધા કેવી હતી તેની હાલ તપાસ ચાલી રહી છે. હાલ તો બચાવ અને રાહત કામગીરી પર જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એક વખત તમામ લોકોને પ્લાન્ટની બહાર લાવી દેવામાં આવે અને આગ પર કાબુ મેળવી લેવાય ત્યાર બાદ પ્લાન્ટની તપાસ કરીને બ્લાસ્ટ થવાના કારણો સુધી પહોંચી શકાશે તેવું એક અધિકારીએ જણાવ્યું હતું.

You might also like