પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ અાગઃ દીવાલ ધરાશાયી થઈ

અમદાવાદ: શહેરના નોબલનગર વિસ્તારમાં આજે વહેલી સવારે પ્લાસ્ટિકની કોથળી બનાવતી તેમજ પ્રિન્ટ કરતી ફેકટરીમાં એકાએક ભીષણ આગ લાગી હતી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગની કાબૂમાં લીધી હતી. આગને કારણે દીવાલ ધરાશયી થઇ ગઇ હતી.

ફાયર બ્રિગેડનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ નોબલનગરમાં પ્રેમપ્રતાપ આશ્રમ પાસે રાજ પોલી પ્લાસ્ટિક નામની પ્લાસ્ટિકની કોથળી બનાવતી અને પ્રિન્ટિંગ કરતી ફેકટરી આવેલી છે. આ ફેકટરીમાં આજે વહેલી સવારે પ-૦૦ વાગ્યે એકાએક આગ ભભૂકી ઊઠી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું. ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરાતાં પાંચ ફાયર ટેન્કર અને બે ટેન્કર ઘટનાસ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

આગના કારણે એક તરફની દીવાલ ધરાશયી થઇ ગઇ હતી. આ ફેકટરીની સામેના થોડા જ અંતરે એક હિંદી સ્કૂલ આવેલી છે. જો સવારે ૭-૦૦ વાગ્યે આ આગનો બનાવ બન્યો હોત તો અફરાતફરી સર્જાઇ હોત. પ્રાથમિક દૃષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું બહાર આવ્યું છે. હાલમાં ફેકટરીમાં ઘણું નુકસાન થયું હોવાનો અંદાજ ફેકટરી માલિકે લગાવ્યો હતો.

You might also like