તહેવારોની સિઝન પૂર્વે ખાંડ અને સિંગતેલના ભાવમાં મજબૂત ટ્રેન્ડ

અમદાવાદ: આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી તથા ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો પૂર્વે ખાંડ અને સિંગતેલના ભાવમાં સ્થાનિક બજારમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી છે. ખાંડના હોલસેલ ભાવમાં રૂ. ૧૦૦થી ૨૦૦નો પાછલા બે જ સપ્તાહમાં ઉછાળો નોંધાયો છે, જ્યારે ખાદ્યતેલના ભાવમાં ડબે એક સપ્તાહમાં રૂ. ૨૦થી ૩૦ની સુધારાની ચાલ નોંધાઇ ૧,૫૭૦થી ૧,૫૮૦ની આસપાસ સ્થાનિક બજારમાં ભાવ જોવા મળી રહ્યા છે.

કેન્દ્ર સરકારે વૈશ્વિક બજારમાં ખાંડના નીચા ભાવના પગલે આયાત ઘટે તે હેતુથી થોડાં સપ્તાહ અગાઉ ૧૦ ટકા આયાત ડ્યૂટી વધારીને ૫૦ ટકા કરી હતી, જોકે તેની પાછળની ગણતરી સ્થાનિક ખાંડ મિલોને રાહત પહોંચાડવાની હતી, પરંતુ સરકારના નિર્ણય બાદ હાજર બજારમાં ઉછાળો નોંધાયો હતો અને ક્વિન્ટલે મિડિયમ ક્વોલિટીની ખાંડના ભાવમાં રૂ. ૨૦૦ સુધીનો ઉછાળો જોવાયો હતો, જ્યારે એ ગ્રેડની ખાંડના ભાવમાં રૂ. ૧૦૦થી ૩૦૦નો ઉછાળો નોંધાયો હતો.

હાલ છૂટકમાં ખાંડનો ભાવ વધીને ૪૨થી ૪૫ રૂપિયાની સપાટીની આસપાસ જોવા મળી રહ્યો છે.  માધુપુરા હોલસેલ બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ગણેશ ચતુર્થીના પગલે મહારાષ્ટ્રમાં ખાંડની ડિમાન્ડ વધવાની શક્યતા પાછળ સ્ટોકિસ્ટોની એકધારી લેવાલીના પગલે ખાંડના ભાવમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ભાવ વધવાની ચાલ જોવા મળશે.

દરમિયાન ચાલુ વર્ષે મગફળીનું વાવેતર ઊંચું થયું છે, પરંતુ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અપેક્ષા કરતા વધુ વરસાદ થયો હોવાના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે તથા ફૂગ આવવાના કારણે સારી ક્વોલિટીની પિલાણ માટેની મગફળીનો પાક ઓછો ઊતરે તેવી શક્યતા પાછળ સિગતેલના ભાવમાં પણ ધીમા પણ મજબૂત સુધારાની ચાલ તહેવારો પૂર્વે જોવાઇ રહી છે. છેલ્લા બે જ સપ્તાહમાં સિંગતેલના ભાવમાં રૂ. ૧૦થી ૩૦નો સુધારો નોંધાઇ હાલ ડબે રૂ. ૧૫૭૦-૧૫૮૦ની સપાટીએ ભાવ પહોંચી ગયેલો જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે તહેવારોમાં વધુ સુધારાની ચાલ જોવાય તેવી શક્યતા છે.
http://sambhaavnews.com/

You might also like