તહેવારોમાં જ રાંધણગેસની રામાયણ

અમદાવાદ: દિવાળીના તહેવારો ટાણે જ છેલ્લા ૧પ દિવસથી રાંધણ ગેસના બાટલાની અછત સર્જાતાં હજારો પરિવારો કફોડી હાલતમાં મુકાયા છે. દિવાળીના તહેવારોમાં જયારે રાંધણ ગેસની સૌથી વધુ જરૂરિયાત ઊભી થાય છે ત્યારે ગૃહિણીઓને બાટલો નોંધાવ્યા પછી અઠવાડિયા સુધીની રાહ જોવી પડતા રસોડાને વિરામ આપવાના દિવસો કેટલાક ઘરોમાં આવ્યા છે. બાટલાની ઊભી કરવામાં આવેલી કુત્રિમ અછતના કારણે કેટલાક પરિવારો ઓન આપીને સિલિન્ડર ખરીદી રહ્યા છે. જે સિલિન્ડર લારી ગલ્લા કે ખાણીપીણીવાળાને આસાનીથી મળી જાય છે તે જ સિલિન્ડરની કાયદેસર નોંધણી કરાવવામાં આવે તો અઠવાડિયાની રાહ જોવી પડે તેમ છે.

એમાંય આવતી કાલથી દિવાળી વેકેશન શરૂ થશે જેના કારણે લાભ પાંચમ સુધી ગેસ સિલિન્ડર સપ્લાયર્સ એજન્સીઓ બંધ રહેશે. તેથી ગૃહણીઓને વધુ આઠ દિવસ એટલે કે ૧પ દિવસ રાહ જોવી પડશે.જો ખરેખર તંત્ર દ્વારા આ બાબતે તપાસ કે ચેકિંગ હાથ ધરવામાં આવે તો ગેસ એજન્સી સંચાલકો ખુલ્લા પડી જાય.

આ અંગે ઓલ ઇન્ડિયા ઇન્ડેન ડિસ્ટ્રિબ્યૂટર્સ એસોસિયેશનના પ્રમુખ શૈલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી સિલિન્ડરની અછત ઊભી થઇ છે. હાલમાં પુરવઠા કરતા માગ વધારે હોવાથી અછત સર્જાઇ છે. ખાસ કરીને બાપુનગર, ઇસનપુર, અમરાઇવાડી, નિકોલ, નારોલ, વટવા, સિટી એરિયામાં અછત હોવાથી વેઇટિંગ છે. જ્યારે વસ્ત્રાપુર, સેટેલાઇટ, થલતેજ, બોડકદેવ વગેરે વિસ્તારોમાં ગેસ પાઇપલાઇન હોવાથી સિલિન્ડરની ડિમાન્ડ સામે પુરવઠો પૂરતો હોઇને બે દિવસનું સામાન્ય વેઇટિંગ છે.

અમદાવાદમાં ૧પ લાખથી વધુ ગેસ કનેકશન ધરાવતા ગ્રાહકો છે. જેના આ વર્ષે ઉજાલા યોજનાના કારણે ૧પ હજાર ગ્રાહકોનો વધારો થયો છે. હાલમાં એક લાખથી વધુ સિલિન્ડરની માગ છે. જેની સામે પ૦ હજારથી ૬૦
હજાર સિલિન્ડરનું ઉત્પાદન થઇ રહ્યું છે.

You might also like