રમઝાનમાં મહિલાઓને મોલમાં ન જવા અને વાળ ખુલ્લા ન રાખવા ધમકી

કર્ણાટકના મેંગલુરુમાં મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે બંને આરોપી વોટ્સએપ પર ધમકીભર્યા સંદેશા મોકલી રહ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે ધમકી કોઇ એક મહિલાને નહીં, પરંતુ મુસ્લિમ સમુદાયની તમામ મહિલાઓને અપાઇ હતી, જે તેમની વાતો માનતી નહોતી.

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસથી મેંગલુરુમાં વોટ્સએપ પર આ પ્રકારના સંદેશા ઝડપથી વાઇરલ થઇ રહ્યા હતા, જેમાં રમજાનના મહિનામાં મહિલાઓને મોલમાં શોપિંગ કરવા ન જવાની તેમજ વાળ ખુલ્લા ન રાખવાની ધમકી અપાઇ હતી. વોટ્સએપ મેસેજમાં કહેવાયું હતું કે જે મુસ્લિમ મહિલાઓને તેમની વાતનું ઉલ્લંઘન કરશે તેમની હત્યા કરી દેવાશે.

પોલીસે જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં બે વ્યકિતની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓની ઓળખ કુપ્પેદાવના રહેવાસી ર૩ વર્ષીય મોહંમદ સા‌િદક અને કદેશિવાલયના નિવાસી ૩પ વર્ષીય અબ્દ્દુલ સતારના રૂપમાં કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ બંને વિરુદ્ધ આઇટીસીની વિવિધ કલમ હેઠળ કેસ નોંધાયો છે. મેંગલુરુના પોલીસ કમિશનર વિપુલકુમારે જણાવ્યું કે ધમકીભર્યો પહેલો મેસેજ વોટ્સએપ પર ૧૭ મેના રોજ પોસ્ટ થયો હતો, જે દિવસે રમજાનનો મહિનો શરૂ થયો હતો. બંને વિરુદ્ધ આઇટીસીની કલમ-૧પ૩ (એ) હેઠળ કેસ દાખલ કરાયો છે.

You might also like