ભીખ માગવાના બહાને દુકાનમાં ઘૂસી તફડંચી કરતી મહિલા ગેંગ ઝડપાઈ

અમદાવાદ: ભીખ માગવાના બહાને દુકાનમાં ઘૂસી જઈ દુકાન માલિકની નજર ચૂકવી રોકડ રકમ અને કીમતી ચીજવસ્તુઓની તફડંચી કરનાર એક મહિલા ગેંગને પોલીસે કપડવંજ-ડાકોર ચોકડી પાસેથી ઝડપી લઈ રૂ. પોણા બે લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અા મહિલા ગેંગે અનેક ગામમાં અા પ્રકારની ચોરી કરી હોવાની શક્યતાના અાધારે પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે કપડવંજ-ડાકોર ચોકડી પાસે અાવેલ ન્યૂ કેરાલા ટાયર્સ નામની દુકાનના ડ્રોઅરમાં રોકડ રકમ પડી હતી. અા વખતે છ જેટલી મહિલાઓ ભીખ માગવા અાવી હતી. અા મહિલાઓ દુકાનમાં ઘૂસી દુકાનદારની નજર ચૂકવી રૂ. બે લાખની રોકડ રકમની તફડંચી કરી ફરાર થઈ ગઈ હતી. અા અંગે પોલીસને જાણ કરવામાં અાવતાં પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કરી ગણતરીના કલાકોમાં જ કપડવંજ-ડાકોર ચોકડી પાસેથી ટ્રકમાં બેસી નાસી છૂટવાનો પ્રયાસ કરતી ગંગા સોનુ સલાટ, અારિના દીપુભાઈ સલાટ, મિલી રોહિત સલાટ, મોનિકા જગદીશ સલાટ, રૂચિકા રાજુ સલાટ અને રાગિણી નીલેશ સલાટને ઝડપી લીધી હતી.

પોલીસે તલાસી લેતાં અા ગેંગ પાસેથી રૂ. પોણા બે લાખની રકમ અને અન્ય મુદ્દામાલ મળી અાવ્યાે હતાે. તપાસ દરમિયાન અમદાવાદના વટવા વિસ્તારમાં અાવેલ માનવનગર ખાતે રહેતી અારિના અને મિલી અા ગેંગની મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળ્યું છે. અા મહિલા ગેંગે અન્ય શહેરોમાં પણ ભીખ માગવાની એમઓ અપનાવી રોકડ રકમ અને કીમતી ચીજવસ્તુઓની ચોરી કરી હોવાની અાશંકાના અાધારે પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. મહિલા ગેંગની ઊલટતપાસ દરમિયાન અનેક ભેદ ઉકેલાવાની સંભાવના છે.

visit: sambhaavenews.com

You might also like