ન ફાવતું હોય તો પૈસા ખર્ચી બાળકને ભણાવો

અમદાવાદ: અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયાને ૧ માસનો સમય વીતી ગયો છે. છતાં આરટીઇ હેઠળની પ્રવેશ પ્રક્રિયા કોઇ ને કોઇ કારણસર લંબાઇ રહી છે. શહેર અને ગ્રામ્યની શાળાઓમાં ર૧,૩૪પ વિદ્યાર્થીનાં એડમિશન કન્ફર્મ થયાં હોવા છતાં હજુ સુધી માત્ર ૧૩,૯૯ર વિદ્યાર્થીએ એડમિશન લીધું છે. કેટલાક વાલીઓએ એડમિશન લેવાનું ટાળ્યું છે તો કેટલાક વાલીઓએ હજુ પણ વાંધા અરજીઓ સાથે ડીઇઓ કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે.

શાળાની ફાળવણીના મુદ્દે મોટા ભાગના વાલીને અસંતોષ છે. વાંધા અરજી પછી પણ સંતોષકારક નિર્ણય ન આવતા એડમિશન જતું કરવા સુધીનો છેવટનો નિર્ણય પણ કેટલાક વાલી લઇ રહ્યા છે.

શરૂઆતમાં ૬ કિ.મી.થી વધુ દૂરની શાળામાં વિદ્યાર્થીને એડમિશન આપ્યાં બાદ કચેરીમાં દરરોજ વાંધા અરજીનો ઢગલો થતો હતો. આજે પણ રોજની રપ વાંધા અરજી કચેરીને મળે છે. હવે સમસ્યા એ જ રહી છે પરંતુ તેનું સ્વરૂપ બદલાયું છે. વાલીની વાંધા અરજી સ્વીકારીને નજીકની શાળાઓમાં એડમિશન આપીને વિભાગે પોતાની જવાબદારી પૂરી કર્યાનો સંતોષ માની લીધો પરંતુ વાલીઓને તે સ્વીકાર્ય નથી.

મોટાભાગના વાલીઓની ફરિયાદ છે કે તેમણે માગેલી શાળા કરતાં દૂર એડમિશન આપ્યું અને પછી ગમે તે શાળામાં એડમિશન આપી દીધું જે ઘરથી એટલી દૂર છે કે રિક્ષા ભાડાના રૂપિયા ખર્ચવા કરતાં ફી ભરીને બીજી શાળામાં એડમિશન લેવાનું વધું સારું. કેટલાક વાલીને ડીઇઓ કચેરીમાં ઉદ્ધત જવાબ મળતા હોવાની પણ ફરિયાદ છે. હવે ન ફાવે તો પૈસા ખર્ચીને બાળકને ભણાવો જેવા જવાબો સાંભળીને વાલીઓ અકળાયા છે.

કેટલીક શાળાઓએ એડમિશન આપવાની સ્પષ્ટ ના પાડી હોવાનું જાણવા મળે છે. શાળા સંચાલકો સામે પગલાં લેવાને બદલે એક બીજાને ખો આપવાની નીતિ ડીઇઓ કચેરીએ અપનાવતાં વાલીની હાલત દયાજનક બની છે. સરકારના ૬૦ હજાર બેઠકના ટાર્ગેટ સામે ૧.રપ લાખ ફોર્મ ભરાયાં હતાં. જેમાં અમદાવાદમાં ૩પ,૯૩૬ ફોર્મ ભરાયાં હતાં.

પ જૂને શાળા શરૂ થઇ હોવા છતાં કેટલીક વાંધા અરજીનો હજુ સુધી નિકાલ થયો નથી. ઘરથી ૬ કિ.મી. દૂરની શાળા, ગુજરાતી માધ્યમની અરજી કરી હોય અને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ, એક સમાન નામવાળી અન્ય શાળામાં પ્રવેશના મેસેજ ન આવ્યા હોય. શાળાનાં નામ ફરી ગયાં હોય અાવી અનેક સમસ્યાઓ સાથે વાલી હજુ પણ વાંધા અરજીઓ સાથે ડીઇઅો કચેરીમાં ધક્કા ખાઇ રહ્યા છે.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીને પસંદગીની શાળા ન મળી હોય એટલું જ નહીં તેઓ ઘરની પાસેની ૭૦ મીટર નજીકની જ શાળાનો આગ્રહ રાખતા હોય તો કેટલાંક કૃત્રિમ ગરીબ બન્યાં હોય આવા અનેકવિધ કારણસર એડમિશન કન્ફર્મ થયાં હોવા છતાં એડમિશન લીધાં ન હોય તેવું બની શકે. અમે શાળા ફાળવણીમાં પૂરતો ન્યાય આપ્યો છે. હાલમાં વાંધાઅરજી આવે છે. તે વાંધા સોલ્વ કર્યા બાદ ફરી વાંધા સાથેની અરજી લઇને વાલીઅો અમારી પાસે આવે છે, જેનો અમે સ્વીકાર પણ કરીએ છીએ, પરંતુ અમારી દૃ‌ષ્ટિએ હાલમાં કોઇ વાંધાઅરજી પેન્ડિંગ નથી.
http://sambhaavnews.com/

You might also like