લાગણીના સંબંધની સાબિતી હોય?

લાગણી છે એવું દરેક વ્યક્તિને બતાવવું જ પડે? લાગણી હોય તો એને અનુભવ ન થાય? જે લાગણી પોતાની વ્યક્તિ સમજી ન શકે એને એ લાગણી કે સ્નેહ છે એવું કહેવાથી કે વ્યક્ત કરવાથી પરિસ્થિતિ બદલાઈ જવાની છે?
બીજા બધા દિવસોની જેમ હવે ફાધર્સ ડે પણ આપણે ત્યાં ઉજવાવા માંડ્યો છે. જે સંતાનોને તેમના પિતા સાથે સારા સંબંધ હોય એમને તો ખાસ કંઈ વાંધો નથી આવવાનો પણ જેમના સંબંધ વચ્ચે અંતર આવી ગયું છે એને વ્યક્ત થવાનો મોકો મળે એ વાતમાં બે મત નથી. ઘણી વખત આવી કોઈ વાત વ્યક્ત કરવા માટે વર્ષો વીતી જતાં હોય છે અને સંબંધ પહેલાં જિંદગી પૂરી થઈ જતી હોય છે.

સવાલ એ છે કે શું મા-બાપ સાથેના અનકન્ડિશનલ લવમાં પણ વ્યક્ત થવાનું એટલું મહત્ત્વનું ને જરૂરી છે ?એનો જવાબ દરેક વ્યક્તિએ જુદોજુદો હોવાનો, કેમ કે દરેક વ્યક્તિને તેનાં મા-બાપ સાથે એક અલગ જ સંબંધ હોય છે. આવા દરેક સંબંધને તમે એક વ્યાખ્યામાં ન બાંધી શકો. ઘણા સંબંધોનું મૌન પણ બોલકું હોય છે તો કેટલાક સંબંધોમાં કંઈ ન બોલવામાં જ શાણપણ રહેલું હોય છે.

એક પિતા-પુત્રની વાત છે. એ દીકરાનું નામ પ્રથમેશ. એ દીકરો બહુ નાનો હતો ત્યારે એના પિતા વિદેશ કમાવવા ચાલ્યા ગયા. માતાને તરછોડીને વિદેશની નાગરિકતા મેળવવાની લાલચમાં ત્યાં જ વસી ગયા. જિંદગીમાં કદીય એણે મા-દીકરા સામે પાછળ વળીને જોયું નહીં. વિદેશમાં એક સ્ત્રી સાથે લીવ ઈન રિલેશનશિપમાં એ રહે છે.

દીકરાના અભ્યાસ માટે જરૂરી અને ઘર બહુ આસાનીથી ચાલી જાય એટલા રૂપિયા દર મહિને એના ઘરે પહોંચી જાય. દીકરો સમજણો થયો ત્યારથી એના મનમાં પિતા માટે એક અણગમો ઘૂંટાયે રાખે. પૈસાની જરૂરિયાતથી ભાગી શકાય એમ ન હતું એટલે પ્રથમેશની મમ્મીએ કદીય દીકરાના મોઢે પિતાની નબળી વાત કહી જ નહીં. જન્મદિને અને દિવાળીના તહેવારમાં દીકરો કાગડોળે પિતાના ફોનની રાહ જુએ. પિતા તરફની લાગણીને સહજતાથી લઈ શકતો ન હતો.

આસપાસના પરિવારો અને સાથે ભણતા મિત્રોના પિતા સાથે તેમની જિંદગી જોઈને એનું મન અનેક સવાલો કરી ઊઠતું. કૉલેજમાં ભણતો ત્યારે તો તેનું મન રીતસર બળવો પોકારી ઊઠતું. આર્થિક સહાય પિતાની ફરજ હોવા છતાં પ્રથમેશને એ સહાય લેવી ગમતી ન હતી.

એણે જિંદગીમાં એક જ ગોલ બનાવી રાખ્યો હતો કે પોતાનું અને મમ્મીનું ગુજરાન ચાલી શકે એટલું કમાઈ લેશે ત્યારે પિતાને કહેશે કે તમારા એ પૈસાના ટુકડાની અમને હવે જરૂર નથી. આખરે એ દિવસ આવી ગયો. પહેલો પગાર હાથમાં આવ્યો એ પછીના થોડા દિવસોમાં વિદેશથી પિતાનો ફોન આવ્યો ત્યારે એણે કહ્યું કે, “હવે તમે અમને રૂપિયા ન મોકલશો. અમને એની જરૂર નથી.”

પિતા-પુત્રની વાતોમાં એક અજાણ્યું અંતર તો રહેતું જ. આ વાત જ્યારે કહી ત્યારે એ પિતાએ એટલું જ કહ્યું કે, “હું તારા માટે નહીં મારા મનને શાંતિ મળે એટલે રૂપિયા મોકલું છું.”

થોડા મહિના બાદ પ્રથમેશને પિતા જે દેશમાં રહેતા હતા ત્યાં એની કંપનીએ મોકલ્યો. પિતાની ગેરહાજરીમાં એક અભાવ સાથે જીવેલો પ્રથમેશ પહેલી વખત થોડો હચમચી ગયો. સોશિયલ મીડિયા પર અને વોટ્સ એપ પ્રોફાઈલ પિક્ચરમાં જોયેલા પિતા કદીક વિદેશની ધરતી પર મળી જશે તો શું થશે?

એકાદ મહિનો વીતી ગયો પણ પિતા સાથે ભેટો થયો નહીં. આખરે પ્રથમેશ હિંમત એકઠી કરીને પિતાને શોધીને એમની ઓફિસે મળવા ગયો. પિતા-પુત્રનો આમનોસામનો થયો ત્યારે પ્રથમેશના મનમાં એક અજાણી પીડા અને આક્રોશ ભભૂકતાં હતાં. એણે એક જ સવાલ કર્યો કે,” મારો શો વાંક ?”

અચાનક સામે આવી ગયેલા દીકરાને જોઈને પિતા થોડા આઘાતમાં અને થોડા આનંદમાં આવી ગયા. એમણે દીકરાને કહ્યું, “તારો કોઈ વાંક નથી. જે સંજોગો નિર્માણ પામ્યા તેને આધીન રહ્યો. દ્રોહ કર્યાં પછી પાછા ફરવાની હિંમત ન થઈ શકી.”

આટલી વાત સાંભળીને પ્રથમેશની આંખો ભીની થઈ ગઈ. વર્ષો બાદ મળેલા દીકરાની આંખોમાં આંસુ જોઈને એ પિતાએ એટલું જ કહ્યું, “આઈ એમ સોરી બેટા.”
પ્રથમેશે પિતાને કહ્યું, “તમને ગિલ્ટ ફિલ કરાવવા હું નથી આવ્યો. મારે બસ તમને એક વખત જોવા હતા કે તમે નિષ્ઠુર છો કે લાગણીશૂન્ય છો કે પછી કેવા છો ? મને મારો જવાબ મળી ગયો છે. કદાચ આજે મારા માટે ફાધર્સ ડે છે.”

જ્યોતિ ઉનડકટ

You might also like