ફી વધારો કરનારી ૩૧ ખાનગી કોલેજોએ ફી સરભર કરવી પડશે

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એવી ૩૧ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા બીકોમ, બીબીએ અને બીસીએ કોલેજો દ્વારા અા શૈક્ષણિક સત્રથી ફીમાં વધારો કરાયો હતો, પરંતુ તેને સિન્ડિકેટની મંજૂરી મળી ન હોવાથી ફી વધારાને સ્થગિત કરાયો છે. અાવી કોલેજોએ વસૂલ કરેલ ફી વધારાની રકમને અાગામી સત્રમાં વિદ્યાર્થીઅોની ફીમાં સરભર કરવાની રહેશે તેમ રજિસ્ટ્રારે જણાવ્યું હતું.

બીકોમ, બીબીએ અને બીસીએનાે અભ્યાસક્રમ ચલાવતી ૩૧ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા ફીમાં વધારો કરવાની માગણી કરાઈ હતી. અા માગણીમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા એવી રજૂઅાત કરાઈ હતી કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટીના વિવિધ અભ્યાસક્રમોની ફીમાં ઘણા લાંબા સમયથી ફીમાં વધારો કરાયો નથી તેમજ રાજ્યની અન્ય યુનિવર્સિટીઅોની સરખામણીમાં ગુજરાત યુનિવર્સિટીની કોલેજોની ફી સૌથી અોછી છે, જેથી ફી વધારો કરવાની માગણી કરાઈ હતી.

બીકોમ, બીબીએ અને બીસીએનાે અભ્યાસક્રમ ચલાવતી ૩૧ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા સિન્ડિકેટ અને ઈસીની મંજૂરીની અપેક્ષાએ અા સત્રના પ્રારંભથી ફી વધારો લાગુ કરી દેવામાં અાવ્યો હતો. અા સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા બીકોમમાં રૂ.ર,૦૦૦નો વધારો કરાયો હતો જ્યારે બી.બી.એ. અને. બી.સી.એ.માં રૂ.૩,પ૦૦થી પ,૦૦૦ સુધીનો વધારો કરાયો હતો. અા ફી વધારાના કારણે વિદ્યાર્થીઅોમાં ભારે નારાજગી પ્રસરી હતી અને તેનો વિરોધ શરૂ કરાયો હતો.

ફી વધારાના મામલે વિદ્યાર્થીઅોનો રોષ જોતાં યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. હિમાંશુ પંડ્યા દ્વારા ગઈ કાલે જાહેરાત કરાઇ હતી કે અા મામલે સિન્ડિકેટની મંજૂરી મળી નથી, અાથી સિન્ડિકેટ દ્વારા અા મામલે કોઈ નિર્ણય લેવાયો નથી, જેના કારણે જ્યાં સુધી અા અંગે કોઈ નિર્ણય ન અાવે ત્યાં સુધી સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા કરાયેલા ફી વધારાને હાલ પૂરતો સ્થગિત કરાયો છે. અા મામલે સિન્ડિકેટની બેઠકમાં જે નિર્ણય લેવાશે તેને માન્ય રખાશે.

You might also like