ફી નિયમન કમિટી આવતી કાલથી શાળા સંચાલકોની રજૂઆત સાંભળશે

અમદાવાદ: સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ખાનગી શાળાઓની ફીના નિયમન માટે રચવામાં આવેલી ફી નિર્ધારણ કમિટી આજથી ખમાસા વિસ્તારમાં આવેલા તાલીમ ભવન ખાતે વિધિવત્ રીતે કાર્યરત થશે અને આવતી કાલથી શાળા સંચાલકો તરફથી ફી વધારા માટે આવેલી રજૂઆતોને સાંભળશે.

જોકે કમિટી સમક્ષ શાળા સંચાલક સિવાય અન્ય કોઇ જ વ્યકિત સીએ કે મદદનીશને રજૂઆત માટે પરવાનગી મળશે નહીં. માત્ર શાળા સંચાલકે જ જરૂરી દસ્તાવેજો સાથે દરખાસ્ત લઇને કમિટી સમક્ષ રૂબરૂ હાજર થવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ચાર ઝોનની ફી નિર્ધારણ કમિટીના સભ્યોની ગઇ કાલે એક બેઠક મુખ્યપ્રધાન સાથે યોજાઇ હતી. સીએમની તબિયત નાદુરસ્ત થતાં શિક્ષણ સચિવ સાથે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કમિટીએ સંભાળવાનો કાર્યભાર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, તે મુજબ કમિટી દ્વારા શાળા સંચાલક તરફથી અરજી મળ્યાના ૯૦ દિવસમાં તેનો નિકાલ કરવાની સૂચના અપાઇ હતી. આ ઉપરાંત તટસ્થ રીતે કામગીરી કરીને ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવાની તાકીદ પણ કરાઇ હતી.

શાળા સંચાલક સાથેની કમિટીની બેઠક દરમિયાન સંચાલક સિવાય કોઇ પણ ત્રાહિત વ્યકિતને હાજર નહીં રાખવા દેવા કડક સૂચના આપવામાં આવી હતી. આજે કમિટીના કાર્યભારના પહેલા દિવસે ડીઇઓ અને ડીપીઓ સાથે બપોર પછી કમિટીની એક બેઠક મળશે, જેમાં કેવી રીતે ઝડપથી કામગીરી પૂરી થાય, કેટલી ફી વધારાની દરખાસ્ત આવી છે તે સહિતની ચર્ચા થશે. અમદાવાદની ફી નિયમન કમિટીના અધ્યક્ષસ્થાને નિવૃત્ત ન્યાયાધીશ સી.એલ. મીના, શિક્ષણશાસ્ત્રી આર.સી. પટેલ, સંચાલક મંડળના પ્રતિનિધિ વલ્લભભાઇ પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસો‌િસએશનના પૂર્વ પ્રમુખ દુર્ગેશ બુચ અને સત્તામંડળનો બહોળો અનુભવ ધરાવતા એન્જિનિયર એન.કે. પટેલનો સમાવેશ કરાયો છે. ફી નિર્ધારણ કમિટીની રચનામાં વાલીઓની બાદબાકી થતાં આગામી સમયમાં આ મુદ્દે સંઘર્ષનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.
http://sambhaavnews.com/

You might also like