ફી કમિટીએ ૩પ૯૯ શાળાઓની દરખાસ્તની કામગીરી પૂર્ણ કરી

અમદાવાદ:  ખાનગી શાળાઓ માટે ફીનાં ધોરણો નક્કી કરવા રચાયેલી ફી નિર્ધારણ કમિટી હાલમાં યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. અમદાવાદ ઝોનની ફી કમિટીની ૪પ દિવસની ૩પ બેઠકો બાદ હવે ફી અંગેના હુકમો કરવાનું શરૂ કર્યું છે, જેમાં ર૩ શાળાઓએ સરકારી માળખા મુજબ ફી લેવા સંમતિ દર્શાવતાં સોમવારથી આ શાળાઓને વિભાગ દ્વારા એનઓસી (હુકમ) આપવાનું શરૂ કરાશે.

ફી નિર્ધારણ કમિટીમાં ૩૩૯૯ શાળાઓની ફી માટેની એફિડેવિટની સ્ક્રૂટિની પૂરી થઇ ચૂકી છે. આ તમામ શાળાઓએ સરકારી માળખા મુજબ ફીનું ધોરણ યથાવત્ રાખવા માટે કમિટી સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું. સોમવારથી આ તમામ ૩૩૯૯ શાળાઓની એફિડેવિટની સ્ક્રૂટિની પૂરી થઇ હોવાની કામગીરીનો રિપોર્ટ વિભાગ પાસે આવી જતાં હવે તેમને હુકમો આપવાનું ચાલુ કરાશે. કમિટીના જણાવ્યા અનુસાર જુદા જુદા બોર્ડની ૬રપ શાળાઓએ કમિટી સમક્ષ દરખાસ્ત કરી નથી. તેમના ઉપર સુઓમોટો કાર્યવાહી હાથ ધરાશે.

સરકારે શાળાઓને ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવા માટે એક માસ જેટલો સમયગાળો આપ્યો હતો છતાં ૬રપ શાળાઓએ કમિટી સમક્ષ દરખાસ્ત કરી નહોતી. આવી તમામ શાળાઓને નોટિસ આપવાનું શરૂ કરાયું છે. આ શાળાઓને તેમનું વાજબીપણું સાબિત કરવાની તક મળશે નહીં. હવે ફી કમિટી સુઓમોટો ફી નક્કી કરશે.

ફી કમિટીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર જેટલી શાળાઓએ એફિડેવિટ રજૂ કરી હતી તેની ચકાસણીની કાર્યવાહી બાદ એનઓસીની ભલામણ સાથે વિભાગને સુપરત કરી દેવામાં આવી છે.  આ ઉપરાંત રપર શાળાઓએ ફી વધારા માટે દરખાસ્ત કરી હતી, જેમાંની ર૩ શાળાઓએ ફી નહીં વધારવાની સંમતિ આપી દેતાં તેમને એનઓસી આપવાની ભલામણ પણ કમિટી દ્વારા વિભાગને મોકલી દેવાઇ છે. રર૯ શાળાઓ કે જેમણે ફી વધારો માગ્યો છે તેમને હિયરિંગ બાદ તેઓ કમિટીના માપદંડ હેઠળ ફીના ધોરણમાં કેટલા ફેરફાર કરી શકશે તેવા વાજબીપણાના મુદ્દે ફરી હિયરિંગ માટે બોલાવવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like