ફીના મામલે ૨૪મીથી વાલીઅોનું વિરોધ પ્રદર્શન

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ફી રેગ્યુલેટરી કમિટીની પહેલી બેઠકની કામગીરીની શરૂઆતના સમયે ર૪મીએ ચાર ઝોનના વાલીઓ વિરોધ અને લડતનું રણશિંગું ફૂંકશે. અનેક મુદ્દાઓને લઇ નારાજ વાલીઓ જંગે ચઢ્યા છે. ફી રેગ્યુલેટરી કમિટીમાં સમાવવાના મુદ્દે છેદ ઉડાડી દેતાં નારાજ વાલીઓ ફી રેગ્યુલેટરી કમિટીની ઓફિસ સમક્ષ જ વિરોધ પ્રદર્શન સાથે ધરણાં અને દેખાવો યોજશે, જેમાં પ૦ જેટલાં બાળકોને પણ સાથે રાખશે.

અમદાવાદ વાલીમંડળ તેમજ વોઇસ ઓફ ચિલ્ડ્રનના હોદ્દેદારો-વાલીઓ સહિત બાળકો અને અન્ય ત્રણ ઝોનના પ્રમુખો સાંજના પાંચથી સાત કલાક દરમિયાન દેખાવો યોજીને નારાજગી પ્રદર્શિત કરશે. વાલીઓની માગ છે કે તેમને ફી રેગ્યુલેટરી કમિટીમાં સ્થાન આપવામાં આવે, ફી રેગ્યુલેટરી કમિટીની સબકમિટી ગાંધીનગરમાં મુકાય, શાળા સંચાલકોએ શાળામાં શિક્ષણકાર્ય સિવાય અન્ય કોઇ વ્યાવસાયિક પ્રવૃત્તિ કરવી નહીં, શૈક્ષણિક વર્ષ પૂરું થતાંની સાથે જ વાલી એસોસીએશનની બેઠક બોલાવીને ઓડિટ કરેલા હિસાબો આપવા, પ્રવેશ પ્રક્રિયાનું ‌િક્લયર અપડેટ આપવું, બાકી રહેલાં એડમિશનની વિગતો શાળાના નોટિસબોર્ડ પર મૂકવી, હિસાબો ખોટા જણાય કે ગેરવહીવટ બહાર આવે તો પોલીસ ફરિયાદ કરવી.

વાલીઓની સરકાર સામે ફરિયાદ છે કે સરકારે ઝોન વાઇઝ ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરી છે પણ પાંચ સભ્યની બનેલી કમિટીમાં વાલીઓનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. બાળકની ફીનો મુદ્દો સીધો વાલીને સ્પર્શે છે તેમ વાલીમંડળ અને વોઇસ ઓફ ચિલ્ડ્રનના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું. ધરણાં અને દેખાવોની સાથે આંદોલન કાર્યક્રમમાં શાળાનાં પ૦ બાળકો પણ જોડાશે.
http://sambhaavnews.com/

You might also like