ફેડરર, સેરેના, શારાપોવા વિનાની ફ્રેન્ચ ઓપન

પેરિસ: ક્લે કોર્ટ પરની ફ્રેન્ચ ઓપન સ્પર્ધા વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ચેમ્પિયનશિપ છે અને એનો રવિવારે ધમાકેદાર પ્રારંભ થવાની સંભાવના ઓછી છે, કારણ કે પહેલી વાર ઘણા સ્ટાર ખેલાડી આ વખતે નથી રમવાના અને જેઓ રમવાના છે તેઓ ફોર્મમાં નથી અથવા અનફિટ છે. ફેડરર ઈજાના કારણે નથી રમવાનો, સેરેના વિલિયમ્સ ગર્ભવતી છે અને મારિયા શારાપોવાને ડ્રગ્સના સેવન બાદ પ્રતિબંધ પૂરો કરવા છતાં આ ટૂર્નામેન્ટ માટેની વાઇલ્ડકાર્ડ એન્ટ્રી ન મળી હોવાથી સ્પર્ધા ચૂકી ગઈ છે. દરમિયાન, મહિલા ટેનિસ ખેલાડીઓમાં ૨૦૧૦થી ૨૦૧૫ સુધી સિંગલ્સમાં ચેમ્પિયન બનેલ તમામ પ્લેયર આ વખતે ફ્રેન્ચ ઓપનમાં નથી રમવાના. ગેરહાજર રહેનાર આ ખેલાડીઓમાં સેરેના (૨૦૧૩ અને ૨૦૧૫માં ચેમ્પિયન), શારાપોવા (૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન), લી ના (૨૦૧૧માં ચેમ્પિયન) તથા ફ્રાન્સેસ્કા શિયાવોન (૨૦૧૦માં ચેમ્પિયન)નો સમાવેશ છે. ગયા વર્ષની વિજેતા સ્પેનની ગાર્બાઇન મુગુરુઝાને તાજેતરમાં ગરદનમાં દુખાવો શરૂ થયો હતો અને વર્તમાન સિઝનમાં ક્લે કોર્ટ પર બે જ મેચ જીતી છે.

You might also like