બેઅર ગ્રિલ્સ સાથે ‘વાઇલ્ડ’ બન્યો ફેડરરઃ માછલીની આંખ ખાધી

બર્ન (સ્વિટ્ઝર્લેન્ડ): વિશ્વ પ્રસિદ્ધ એડવેન્ચર લવર અને બેસ્ટ સેલર લેખક બેઅર ગ્રિલ્સ ડિસ્કવરી ચેનલ ઇન્ડિયા પર હવે ‘રનિંગ વાઇલ્ડ વિથ બેઅર ગ્રિલ્સ’ નામની નવી શ્રેણી શરૂ કરી રહ્યો છે, જેમાં ટેનિસ સ્ટાર રોજર ફેડરર, ગેમ ઓફ થ્રોન્સની લીના હેડી, ડોન શેડલ, અમેરિકન એક્ટર જોસેફ ગોર્ડન અને ‘ઓરેન્જ ઇઝ ધ ન્યૂ બ્લેક’ની અભિનેત્રી ઉજો અડૂબા પણ સામેલ છે.

આ રિયાલિટી શોમાં ગ્રિલ્સ બધી સેલિબ્રિટીને એક રોમાંચક સફર પર લઈ જશે અને એ દરમિયાન સેલિબ્રિટિઝની જંગલમાં રહેવાની અને ત્યાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાની કુશળતા તપાસશે. શોનો પ્રીમિયર શો ૨૦મી ડિસેમ્બરે રાત્રે ૯.૦૦ વાગ્યે પ્રસારિત થવાનો છે.

આ સિરીઝના પ્રથમ એપિસોડમાં બેઅર ગ્રિલ્સ સાથે ટેનિસસ્ટાર રોજર ફેડરર આલ્પ્સની પર્વતમાળાઓની સફરે નીકળશે. દર્શકો માટે આ રોમાંચક અનુભવ જોવાલાયક હશે. આ સફર દરમિયાન આ બંને સ્ટાર ટેનિસ રમતા પણ જોવા મળશે. બેઅર ગ્રિલ્સ સાથેની સફરમા રોજર ફેડરર થોડો વાઇલ્ડ પણ બની ગયો હતો અને તેણે માછલીની આંખ પણ ખાધી હતી.

આ શોની શરૂઆત કરતાં બેઅર ગ્રિલ્સ કહે છે, ”અહીંથી આ પર્વતો બહુ જ શાનદાર નજરે પડે છે, પરંતુ જ્યારે તમે મેદાન પર હો છો ત્યારે ઊંચાં શિખર અને ગાઢ જંગલ એક મોટી તાકાત બનીને તમારું ધ્યાન ખેંચે છે. રોજરે આ એક અભૂતપૂર્વ મેચ માટે તૈયાર થઈ જવું જોઈએ.”

બીજી તરફ ફેડરર કહે છે, ”મને સ્વિસ પર્વતો વચ્ચેની કોઈ જગ્યાનું એડ્રેસ આપી દેવાયું હતું અને હું ફક્ત એટલું જ જાણું છું. આ કંઈક એવું છે, જાણે મેચ પહેલાં મારા હૃદયના ધબકારા વધી જાય છે. હું ટેનિસ કોર્ટમાં ભલે એક મજબૂત માણસ નજરે પડતો હોઉં,પરંતુ મારી જિંગીમાં મને ઘણી બધી વસ્તુઓથી ડર લાગે છે.”

વધુમાં ફેડરર કહે છે, ”હું જાણું છું કે આ સિરીઝમાં કેટલીક ડરાવનારી પળો હશે. આશા રાખું છું કે ટેનિસના મેદાન પર મેં જે વાતો શીખી છે તેનો હું સારી રીતે ઉપયોગ કરી શકીશ. હું ટેનિસ રમવા સિવાય પણ કંઈક વધુ કરવા ઇચ્છું છું.”

આલ્પ્સ પર્વતો પર પોતાની યાત્રા દરમિયાન ગ્રિલ્સને બરફની નીચે દટાયેલી એક માછલી મળી, જે અડધી ખવાઈ ચૂકી હતી. ગ્રિલ્સે ત્યાર બાદ ફેડરરને માછલીની આંખો ખાવાનું મહત્ત્વ સમજાવીને કહ્યું કે આમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.

રોજરે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, ”હું હંમેશાં એવા શો જોતો રહ્યો છું, જેમાં લોકો વિચિત્ર ચીજો ખાતા હોયય છે, પરંતુ મારું માનવું છે કે હું ક્યારેય એવું નહીં કરું.” જોકે બાદમાં સફર દરમિયાન ફેડરરે ગ્રિલ્સની વાત માની લીધી અને માછલીની આંખો ખાધી પણ ખરી, અથવા એમ કહી શકાય કે તે માછલીની આંખો ગળી ગયો.

You might also like