ફ્રેબ્રુઆરીમાં પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા

નવી દિલ્હી: આગામી ફ્રેબ્રુઆરી માસમાં દેશના પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે તેમ છે. ચૂંટણી પંચનાં સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર કરે તેવી શક્યતા છે. આ માટે ચૂંટણીપંચે જે રાજ્યમાં ચૂંટણી થવાની છે તેવા રાજ્યના શિક્ષણ વિભાગને પરીક્ષા જાહેર કરતાં પહેલાં ચૂંટણી પંચનો સંપર્ક કરવા જણાવ્યુ છે.

ચૂંટણી પંચે ચૂંટણીનો કાર્યક્રમ જે તે રાજ્યની સ્કૂલોમાં લેવાતી પરીક્ષાને ધ્યાનમાં લઈ જાહેર કરવાનું આયોજન કર્યું હોવાથી ચૂંટણી પંચે જે તે રાજ્યના શિક્ષણ વિભાગને પરીક્ષા જાહેર કરતાં તેનો સંપર્ક કરવા જણાવ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુરમાંથી માત્ર ગોવા અને મણિપુરમાં જ એક જ તબકકામાં ચૂંટણી થશે. જ્યારે પંજાબ અને ઉત્તરાખંડમાં એકથી બે તબકકામાં ચૂંટણી થશે. જ્યારે ઉત્તર પ્રદેશમાં છ થી સાત તબકકામાં ચૂંટણી યોજવા આયોજન થયું છે. જેને હાલ આખરી ઓપ આપવામાં ‍આવી રહ્યો છે. ચૂંટણી પંચે શાળાઓની પરીક્ષા, તહેવાર અને ખેતી પાકની કાપણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને આ વખતે ચૂંટણી ફ્રેબ્રુઆરીમાં જ યોજવામાં આવે તેવું આયોજન કર્યુ છે. ઉત્તરપ્રદેશ સિવાયનાં બાકીનાં ચાર રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ માર્ચ એપ્રિલમાં પૂરો થઈ રહ્યો છે જ્યારે યુપી વિધાનસભાનો કાર્યકાળ જુલાઈમાં પુરો થશે.

આ માટે ચૂંટણી પંચે જે પાંચ રાજ્યમાં ચૂંટણી થવાની છે તે રાજ્યોની મુલાકાત લઈને ત્યાંની સરકાર, અધિકારીઓ અને રાજકીય પાર્ટીઓને મળીને તેમના રાજ્યમાં સેના અને અર્ધ સૈનિક દળની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી આ અંગે ચર્ચા કરી હતી અને તે મુજબ હવે આગામી દિવસોમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like