ફેબ્રુઆરીથી રોકડની સમસ્યા હળવી થશે

મુંબઇ: કેન્દ્ર સરકારે ૮ નવેમ્બરે રૂ. ૫૦૦ અને એક હજારની ચલણી નોટ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ બેન્કિંગ સિસ્ટમમાં ૭૦ ટકાથી વધુ રદ્ થયેલી ચલણી નોટો પાછી આવી ચૂકી છે. એસબીઆઇ રિસર્ચના એક અહેવાલ મુજબ વર્તમાન સમયમાં નવી ચલણી નોટો છાપવાનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં રદ્ થયેલી ચલણી નોટોના ૫૦ ટકા નવી ચલણી નોટો સિસ્ટમમાં આવી જશે. એ જ પ્રમાણે જાન્યુઆરી ૨૦૧૭ના અંત સુધીમાં રદ્ થયેલી જૂની નોટોના ૭૫ ટકા નવી ચલણી નોટો વ્યવહારમાં આવી જશે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરીના અંત સુધીમાં બંધ થયેલી નોટના ૭૮થી ૮૮ ટકા ચલણી નોટ સિસ્ટમમાં આવી જશે. આ સંજોગોમાં આગામી બે મહિનામાં રોકડની સમસ્યાની સ્થિતિ સામાન્ય થઇ જશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા જેવાં રાજ્યો કે જેમાં ખેતી ઉપર નભતા લોકોની સંખ્યા વધુ છે. આગામી બે મહિના સુધી આ રાજ્યો રોકડની સમસ્યાનો વધુ સામનો કરી શકે છે.

એસબીઆઇ રિસર્ચના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ કુલ કરન્સીમાં નાની ચલણી નોટની ટકાવારી વધીને સાત ટકા થઇ ગઇ છે.
http://sambhaavnews.com/

You might also like