એફડીમાં આકર્ષણ ઘટ્યુંઃ નોન ક્નવર્ટિબલ ડિબેન્ચરમાં રોકાણ વધ્યું

મુંબઇ: ફિક્સ ડિપોઝિટ પર વ્યાજમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેના કારણે રોકાણકારનું ફિક્સ ડિપોઝિટમાં રોકાણનું આકર્ષણ પણ ઘટ્યું છે. બીજી બાજુ રોકાણકારોએ સેકન્ડરી માર્કેટમાં નોન કન્વર્ટિબલ ડિબેન્ચર-એનસીડીમાં ફિક્સ ડિપોઝિટ કરતાં વધુ રિટર્ન મળવાના કારણે રોકાણકારોનું એનસીડીમાં રોકાણનું આકર્ષણ વધ્યું છે.

ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, એનટીપીસી, એલએન્ડટી ઇન્ફ્રા, દીવાન હાઉસિંગ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ જેવી કંપનીઓના નોન કન્વર્ટિબલ ડિબેન્ચરમાં ૭.૮૫ ટકાથી ૧૦ ટકા જેટલું ઊંચું વ્યાજ મળે છે, જેનો આધાર તેના રેટિંગ અને પાકડી મુદત પર રહેલો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજના દરમાં ૦.૫૦ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરતાં વ્યાજ ઘટીને ૬.૨૫ ટકા જેટલું થયું હોવાના કારણે રોકાણકારોનું ફિક્સ ડિપોઝિટમાં આકર્ષણ ઘટ્યું છે.

તો બીજી બાજુ કંપનીઓ પણ રોકાણકારો દ્વારા નોન કન્વર્ટિબલ ડિબેન્ચરમાં વધતાં આકર્ષણને લઇને આ ડિબેન્ચર દ્વારા નાણાં ઊભાં કરવાનું વધુ પસંદ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કંપનીઓને આ માર્ગે નાણાં સરળતાથી મળી રહેવાના કારણે કંપનીઓ પણ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર થકી મોટી માત્રામાં હાલ નાણાં એકઠાં કરી રહ્યાં છે.
http://sambhaavnews.com/

You might also like