એફબી પર ફેક અાઈડીથી પત્ની, સાસરિયાંને પોર્ન ફોટા મોકલ્યા

અમદાવાદ: લગ્નજીવન દરમ્યાન થતા પતિ અને પત્નીના ઝઘડાનો ભોગ પત્નીનાં પરિવારજનો અને મિત્રો બન્યાં હોય તેવો એક કિસ્સો અમદાવાદ શહેરમાં બનવા પામ્યો છે. પતિ અને પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હોવાથી પતિએ પત્ની અને પત્નીનાં પરિવારજનોના ફેસબુક આઈડી પર ફેક આઈડી બનાવીને અશ્લીલ અને ગંદા મેસેજ/વીડિયો મોકલ્યા હતા આટલું જ નહીં પત્નીની ભાભીના ફોટા તેમના ફેસબુકમાંથી ડાઉનલોડ કરી ફેક આઈડી પર મૂકી પ્રોસ્ટિટ્યૂટ દર્શાવી દીધી હતી. આ અંગે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.

પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં ક્યારેક પરિવારજનોએ ભોગવવું પડે છે. સામાન્ય રીતે બે પરિવાર વચ્ચે ઝઘડામાં મારામારી થઇ હોય છે પરંતુ ચાંદખેડામાં રહેતા અને દવાના ડિસ્ટ્રિબ્યૂશનનો વ્યવસાય કરતા યુવકે પત્ની અને તેના પરિવારજનોને અશ્લીલ ફોટા અને વીડિયો મોકલી પ્રોસ્ટિટ્યૂટ બતાવી દીધા છે. મળતી માહિતી મુજબ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી સંગીતાના લગ્ન 13 વર્ષ અગાઉ ચાંદખેડામાં રહેતા આશિષ ચૌહાણ સાથે થયાં હતાં. લગ્ન જીવન દરમ્યાન તેઓને ત્યાં બે પુત્રીનો જન્મ થયો હતો.પતિ- પત્ની વચ્ચે કોઈ બાબતે તકરાર ચાલતા છેલ્લા છ મહિનાથી સંગીતા અમરાઈવાડી તેના પિયરમાં રહે છે. જાન્યુઆરી 2017માં સંગીતાના ફેસબુક આઈડી પર દીપક વત્સ અને નિશા ચૌહાણ નામની વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. સંગીતાએ આ રિકવેસ્ટને સ્વીકારી નહોતી.દરમ્યાનમાં આ આઈડી ફેક હોવાનું જાણવા મળ્યું હતી. આ ફેક આઈડી પરથી સંગીતા તેમજ તેની બહેન અને મિત્રને અશ્લીલ ફોટા,વીડિયો અને ગંદા મેસેજો મોકલ્યા હતા. ઉપરાંત સંગીતાના પરિવારજનો અને મિત્રોના ફોટો પણ અશ્લીલ ફેસબુક આઇડી પર શેર કરી દીધા હતા.

ફેક આઈડી બનાવનાર વ્યક્તિએ સંગીતાનાં ભાભીના ફોટો તેમના ફેસબુક એકાઉન્ટ પરથી ડાઉનલોડ કરી ફેક ફેસબુક એકાઉન્ટ પર મૂકી પ્રોસ્ટિટ્યૂટ તરીકે દર્શાવી દીધા હતા. આ અંગે સંગીતાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપી હતી.પોલીસ તપાસમાં સંગીતાને પતિ આશિષ સાથે છ મહિનાથી તકરાર ચાલતી હોવાથી તેના દ્વારા આ ફેક આઈડી બનાવી અને અશ્લીલ ફોટો, વીડિયો શેર કર્યા હતા અને તેની પત્નીની ભાભીને ફેસબુક થકી પ્રોસ્ટિટ્યૂટ દર્શાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીએ પોર્નોગ્રાફીક ફોટા અને વિડિયો ડાઉનલોડ કરી અને સંગીતાના મિત્રો તથા પરિવારજનોને મોકલ્યા હતા. આ અંગે સંગીતાએ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આરોપી આશિષની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે આજના જમાનામાં ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, સાથે-સાથે આ ટેકનોલોજીનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા થકી લોકોને બદનામ કરવામાં આવે છે. પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડામાં કુટુંબીજનોને બદનામ કરવા માટે ફેસબુકના માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આ ઘટના દર્શાવે છે કે સમાજના લોકો એક સામાન્ય બાબતમાં કઇ હદ સુધી પહોંચી શકે છે. અગાઉ પણ આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. લોકોને બદનામ કરવા માટે ગુનાઈત માનસ ધરાવતી વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સાયબર ક્રાઇમમાં રોજ આવી અનેક અરજીઓ આવે છે, જેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ગુનો આચરવામાં આવે છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનેક વાર આવા ગુનાઓ ન બને તે માટે પોતાના અંગત ફોટા કોઇને શેર ન કરવા, ફેસબુક પર ન મૂકવા તેમજ સોશિયલ મીડિયામાં પોતે ઓળખતા હોય તેવી વ્યક્તિઓને જ મિત્રો બનાવવા જણાવે છે છતાં પણ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે.
(પાત્રોનાં નામ બદલેલ છે)
http://sambhaavnews.com/

You might also like