બધું દાવ પર લગાવી શકે છે ફાતિમા સના શેખ

ફિલ્મ ‘દંગલ’માં ફાતિમા સના શેખે આમિર ખાનની પુત્રી ગીતા ફોગટનું પાત્ર ભજવ્યું હતું તેની સાથે જ તેની કિસ્મત ચમકી ઊઠી. હવે તે અમિતાભ બચ્ચન અને આમિર ખાન સ્ટારર યશરાજ ફિલ્મ્સની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં આમિરની પ્રેમિકાનું પાત્ર ભજવી રહી છે.

તે એક એવા યોદ્ધાનું પાત્ર ભજવી રહી છે, જે ખૂબ જ મજબૂત છે. તે તલવારબાજી અને તીરંદાજી કરે છે અને આમિરને મનમાં ને મનમાં ચાહે છે. તેની ચાહત એ હદ સુધી વધી ચૂકી છે કે આમિર વગર તે એક ક્ષણ પણ રહી શકતી નથી.

ફિલ્મમાં અલગ પ્રકારનાં એક્શન છે. ફાતિમા જેવી ન્યૂ કમર માટે આમિર અને અમિતાભ જેવા સ્ટાર સાથે કરિયરની શરૂઆતમાં જ કામ કરી લેવું તે ગર્વથી કમ નથી. આમિર સાથે તેની આ સતત બીજી ફિલ્મ છે.

ફાતિમાએ અમિતાભ બચ્ચન સાથે એક અન્ય ફિલ્મ ‘જમાનતઃ જસ્ટિસ ફોર ઓલ’ સાઇન કરી છે. તે એક એવા વકીલની રોમેન્ટિક ફિલ્મ છે, જે દુર્ઘટનામાં પોતાની આંખો ગુમાવી દે છે. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ નવેમ્બર મહિનામાં રિલીઝ થશે. આ ફિલ્મ મેળવવા માટે ફાતિમાએ ઘણાં રાઉન્ડ ઓડિશન આપ્યાં છે. તે આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે.

અમિતાભ અને આમિરના લુકને લઈ લોકોમાં ઉત્સુકતા છે. ફાતિમાએ જે સમર્પણ સાથે કામ કર્યું છે તે જોતાં એવું કહેવાય છે કે તે આમિર ખાનની પાકી મિત્ર છે અને તે કોઈ પણ પાત્ર માટે પોતાનું બધું જ દાવ પર લગાવી શકે છે. ફાતિમાની સુંદરતાનાં અમિતાભ અને આમિર વખાણ કરતા હોય છે. ફાતિમાની કિસ્મત ચમકવા જઈ રહી છે તેમાં કોઈ શક નથી.

You might also like