ફાધર્સ-ડે સ્પેશિયલઃ મારી પુત્રી જ મારું જીવન છે

“એ દિવસે મેં જીવન સમાપ્ત કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ મારી પુત્રી મારા જીવનનો આધાર બની.” આ શબ્દો છે મુંબઈના કાંદિવલીમાં રહેતા અને સામાજિક સંસ્થા સાથે જોડાયેલા બ્રિજ કથોરિયાના. તેમની પુત્રી અનાહિતા ૧૬ વર્ષની હતી ત્યારે તેમની પત્નીએ આધ્યાત્મિક લગાવને કારણે સંન્યાસ લઈ લીધો. બ્રિજ માટે આ ઘટના દુઃખદ હતી. ઘર સાથે ધંધો સંભાળવો, વળી પુત્રીના ઉછેરની ચિંતા. જેથી મન આત્મહત્યાના વિચારે ચઢ્યું હતું, પરંતુ પુત્રીના જીવન અને ભવિષ્યનો વિચાર કરીને તેમણે એવું પગલું ન ભર્યું.

બ્રિજ કહે છે, “મેં મારી પુત્રીને નહીં, મારી પુત્રીએ મને સંભાળી લીધો છે. અનાહિતા માટે ખાવાનું બનાવવાનું, સ્કૂલે લેવા-મૂકવા જતો હોવાથી તેને બાળપણથી જ મારા પ્રત્યે લગાવ હતો. મને ચિંતા એ હતી કે જે ઉંમરે પુત્રીને માની જરૂર પડે, ત્યારે જ તે તેની સાથે નથી. મારી સાથે આ ઘટના ર૦૧૪માં બની હતી.

મને એ સમજાતું નહોતું કે હવે હું શું કરું? રાત્રે ઊંઘ નહોતી આવતી આથી જ હું રોજ આત્મહત્યા કરવા વિચારતો, પરંતુ જો હું આવું પગલું ભરીશ તો અનાહિતાનું શું? એવી ચિંતા પણ મને હતી. ધીરેધીરે અનાહિતા પણ મને સમજવા લાગી અને મારા કપરા કાળમાં એ મારી એટલી વહારે આવી કે હવે મારે કોઈની જરૂરત નથી. હવે મારો દિવસ જ મારી પુત્રીથી શરૂ થાય છે. તેની તમામ જરૂરિયાતો પર હવે હું ધ્યાન રાખું છું. તે વધુ અભ્યાસ વિદેશમાં કરવા અને ફેશન ડિઝાઈનર બનવા ઈચ્છે છે, આથી તેની ઈચ્છા પૂરી કરવાના પ્રયાસ સાથે હું મહેનત કરી રહ્યો છું.’

પોતાના પિતાના સંઘર્ષ અંગે અનાહિતા કહે છે, ‘હું નાની હતી ત્યારે પપ્પાના ઘરની બહાર નહોતી નીકળવા દેતી. હું ઘણી જીદ્દી છું. ભૂખ લાગે તો અડધી રાત્રે પણ પપ્પાને ઉઠાડીને તેમની પાસે ખાવાનું બનાવડાવતી. મારા પપ્પા ખૂબ જ સારી વ્યક્તિ છે અને હું તેમને ધન્યવાદ આપું છું કે તેઓ મારો આટલો ખ્યાલ રાખે છે.’

You might also like