ફાધર્સ-ડે સ્પેશિયલઃ અભય માટે ગુણવંતભાઈ માતાનો રૉલ નિભાવે છે!

અમદાવાદના વેજલપુરમાં રહેતા અને પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતાં ગુણવંતભાઈ પોલીસની નોકરી સાથે પોતાના પુત્ર માટે એક માતાની ગરજ સારી રહ્યા છે. તેઓ એક સારા પુત્ર તરીકે તેમના ૭૦ વર્ષીય પિતાને પણ સાચવી રહ્યા છે. ર૦૦રમાં ગુણવંતભાઈનાં લગ્ન થયાં હતાં. શરૂઆતમાં તેમનું દાંપત્યજીવન સુખરૂપ ચાલતું હતું.

બે વર્ષ પછી તેમના ઘરે પારણું બંધાયું અને પુત્રનો જન્મ થયો. તેમનાં માતા-પિતા તેમની સાથે હોવાથી બાળક પર પૂરતી દેખભાળ રહેતી, પરંતુ એક વર્ષ બાદ તેમની માતાનું અવસાન થયું અને જવાબદારી તેમની પત્નીના શિરે આવી ગઈ.

ગુણવંતભાઈની પોલીસ વિભાગની નોકરીમાં અનિયમિતતા હોવાને કારણે તેમની પત્નીના સ્વભાવમાં બદલાવ આવી ગયો. તેને કોઈની સાથે આંખો મળી જતાં તે પોતાના પુત્ર અભય તરફ બેદરકારી સેવવા લાગી અને ગુણવંતભાઈની ગેરહાજરીનો ફાયદો ઉઠાવવા લાગી. ગુણવંતભાઈને આ વાતની જાણ થતાં તેમને પત્નીને સમજાવાનો પૂરો પ્રયત્નો કર્યો અને તેમનાં સાસુ-સસરાને પણ આ અંગે જાણ કરી. જોકે તેમનાં સાસુ-સસરાએ ઊલટાનો પોતાની પુત્રીનો પક્ષ લીધો.

ઘરમાં રોજ કકળાટ થતો અને પત્ની વારંવાર રિસાઈની પિયર ચાલી જતી. જોકે દીકરો મોટો થઈ રહ્યો ગુણવંતભાઈ પત્નીને સમજાવીને ઘરે પરત લઈ આવતા અને આશા રાખતા કે ક્યારેક પત્નીમાં બદલાવ આવશે અને દીકરા પ્રત્યે મમતાની ભાવના જાગશે. જોકે તેમની આશા ઠગારી નીવડી અને અંતે બંને છૂટાં પડ્યાં ત્યારે પણ પત્નીએ અભયને સ્વીકારવા ના પાડી, જેથી અભયની જવાબદારી ગુણવંતભાઈને માથે આવી પડી.

હાલ ગુણવંતભાઈ અભયના અભ્યાસ પરત્વે પૂરતું ધ્યાન આપવાની સાથે ૭૦ વર્ષના પિતાની દેખરેખ કરી રહ્યા છે અને તે પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવવાની સાથે. રોજ સવારે તેઓ તેમના પિતા અને પુત્ર માટે રસોઈ બનાવે છે અને ઘરકામ પતાવીને ફરજ પર પહોંચી જાય છે. અભયની દેખરેખ રાખવાનું, હોમવર્ક કરાવવાનું, કલાસીસ મોકલવાની જવાબદારી નિભાવે છે અને રજાના દિવસે અભયને હરવાફરવા પણ લઈ જાય છે. તેઓ અભય માટે પિતા ઉપરાંત માતાની ભૂમિકા પણ નિભાવી રહ્યા છે.

તેઓ કહે છે, “મારી પત્નીની ભૂલના કારણે અમે તો જુદાં થયાં, પરંતુ મારા દીકરાનો શો વાંક કે તેની માતા હયાત હોવા છતાં માતા વિના રહેવું પડે? દીકરાને તેની મમ્મી છોડીને ગઈ તેવો અહેસાસ ન થાય અને ક્યારેક તેને માતાની યાદ આવે ત્યારે હું તેને તેની માતા પાસે લઈ જાઉ છું અને બંને તરફનો વિચાર કરીને તમામ પ્રકારનું દુઃખ સહન કરીને પણ મારા પિતા અને દીકરાનો પૂરતો ખ્યાલ રાખું છું.”

You might also like