પિતાએ તરછોડી દીધેલી ત્રણ બાળકીઓને ભણાવવાની જવાબદારી મહિલા એસીપીએ લીધી

અમદાવાદ: પુત્રની ઘેલછામાં પતિએ તરછોડેલી ત્રણ બાળકીઓને ભણાવવાની જવાબદારી મહિલા એસીપી અને તેમના પતિએ લીધી છે. ત્રણ પુત્રીઓને જન્મ આપનાર પત્નીના ગર્ભમાં પુત્રી હોવાનું જાણીને પતિએ ફર‌િજયાત ગર્ભપાત કરાવીને ઘરમાંથી કાઢી મૂકવાના ચકચારી કિસ્સામાં ત્રણ બાળકીઓને ભણાવવાની જવાબદારી મહિલા એસીપી મંજીતા વણઝારાએ લીધી છે.

પોલીસનું નામ સાંભળતાં સામાન્ય વ્યક્તિની નજરમાં હાથમાં દંડો અને લાલ આંખનું ચિત્ર દેખાઇ આવે છે, જેના કારણે લોકો પોલીસ પાસે મદદ રાખવાની આશા પણ રાખતા નથી, પરંતુ હવે પોલીસનું આ ચિત્ર ધીમે ધીમે બદલાઇ રહ્યું છે. પોલીસ અને પ્રજા વચ્ચે ગાઢ સંબંધ કેળવતો એક કિસ્સો દરિયાપુર વિસ્તારમાં બન્યો છે. કાલુપુરમાં મોલની પોળમાં રહેતી પુખરાજબાનુનાં લગ્ન બરોડાની મુનશીનગર કોલોનીમાં રહેતા શાહનવાઝ સમસુદ્દીન શેખ સાથે થયાં હતાં. લગ્ન બાદ પુખરાજબાનુએ ત્રણ પુત્રીને જન્મ આપ્યો હતો.

પુત્રની ઘેલછા રાખનાર શાહનવાઝ શેખ ત્રણ પુત્રીના જન્મથી નાખુશ થયો હતો અને પુખરાજબાનુ સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો.
પતિની પુત્રપ્રાપ્તિની ઇચ્છા પૂરી કરવા માટે પુખરાજ ચોથી વખત ગર્ભવતી બની હતી, જોકે શાહનવાઝે તેનું ગર્ભપરીક્ષણ કરાવતાં તેના ગર્ભમાં પુત્રી હોવાનું જાણીને ફરજિયાત ગર્ભપાત કરાવીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. સમગ્ર ઘટનાની જાણ એફ ડિવિઝનના એસીપી મં‌જિતા વણઝારાને થતાં તેમણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પતિ અને અન્ય એક વ્યકિત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પુખરાજબાનુએ જણાવ્યું છે કે ત્રણેય પુત્રીઓનાં ઉજ્જ્વળ ભવિષ્ય બને તે માટે તેમને બરોડા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં મૂકી હતી. પિતાએ સ્કૂલમાં 20 હજાર રૂપિયા ફી નહીં ભરતાં સ્કૂલમાં તેઓ પરીક્ષા આપી શક્યાં નહીં, જેના કારણે તેમનું એક વર્ષ બરબાદ થયું છે.
પુખરાજબાનુની સૌથી મોટી પુત્રી ખુશ્બૂ શેખ ધોરણ-10માં 81 ટકાથી પાસ થઇ હતી.

પારિવારિક ઝઘડાને કારણે તે પરીક્ષા પણ આપી ના શકી ત્યારે ખુશ્બૂની નાની બહેન શમીહા અને ઝેબા પણ ભણવામાં હોશિયાર છે, જોકે તેઓ પણ સ્કૂલમાં પરીક્ષા આપી શક્યાં નહીં. પિતાના કારણે ત્રણેય બાળકીઓનું એક વર્ષ બરબાદ થઇ ગયું છે. એસીપી મં‌િજતા વણઝારા તેમના પતિ રાજેન્દ્ર નાઇક અને તેમના મિત્ર પવન જૈને ત્રણેય બાળકીઓના ઉજવણ ભવિષ્યની જીમેદારી લીધી છે. મંજીતા વણઝારાએ જણાવ્યુ છેકે ત્રણેય બાળકીઓ હોશિયાર છે અને તેમના પિતાનાં કરતૂતોના કારણે તેમનું ભવિષ્ય બગડી શકે છે, માટે તેમના ભણતરનો તમામ ખર્ચ અમે ઉપાડીશું. દરિયાપુર વિસ્તારમાં ઇંગ્લિશ મિડિયમમાં તેમના એડ‌િમશન માટેની વાત પણ કરી લીધી છે. મારા પતિ અને મિત્ર પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાં સહયોગ આપશે.

તદુપરાંત પુખરાજબાનુને ભવિષ્યમાં કોઇની સામે હાથ ફેલાવવો ના પડે તે માટે બ્યુટી પાર્લરનો કોર્સ શીખવાડીને તેને નોકરી પણ આપવામાં આવશે. ખુશ્બૂ શેખે જણાવ્યું છે કે મારી અધ્યાપક થવાની ઇચ્છા હતી અને અમને ઘરમાંથી કાઢી મૂક્યાં. અમે ત્રણેય બહેનોએ પિતાના પગ પકડી લીધા, પરંતુ તેઓ માન્યા નહીં અને અમારું ભવિષ્ય બરબાદ કરી દીધું.

You might also like