સાયલા હાઇવે નજીક કારે અડફેટે લેતાં પિતા-પુત્રનાં મોત

અમદાવાદ: સાયલા નેશનલ હાઇવે નજીક ઇશ્વરીયા ગામ પાસે આવેલા અકસ્માતના બનાવમાં પિતા-પુત્રનાં ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, સાયલા તાલુકાના સોરીંભડા ગામના કાનાભાઇ જેસિંગભાઇ ભથાણિયા (ઉ.વ.૪૦) અને તેનો ૧ર વર્ષનો પુત્ર અશ્વિન બંને પિતા-પુત્ર બાઇક પર સાયલાથી નીકળી તેના ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે ઇશ્વરીયા અને સિતાગઢ ગામ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. સામેથી પુરપાટ ઝડપે આવેલી યુટીલિટી ગાડીએ બાઇકને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા આ પિતા-પુત્ર જમીન પર પટકાયા હતા. બંનેને માથાના અને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર મળે તે પહેલાં જ બંનેના મોત થયા હતા.

આ ઘટનાના પગલે સિતાગઢ ગામ પાસે રોડ પર લોકોનાં ટોળેટોળાં ભેગા થયા હતા અને રોષની લાગણી જન્મી હતી. બનાવની જાણ થતા પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઇ બંને લાશને પીએમ માટે સાયલાની હોસ્પિટલમાં મોકલી આપી કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like