પિતા-પુત્રએ માથામાં પથ્થર ઝીંકી વૃદ્ધની હત્યા કરી

અમદાવાદ: શહેરમાં છેલ્લા દસ દિવસમાં દસ કરતાં વધુ હત્યાના બનાવ બન્યા છે. ગઇ કાલે મોડી રાતે મેઘાણીનગરમાં ત્રણ મહિના જૂની અદાવતમાં કલાપીનગરમાં રહેતા પિતા-પુત્રએ મોડી રાતે વૃદ્ધની પથ્થર મારીને હત્યા કરી નાખી હતી. મેઘાણીનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને પિતા-પુત્રની ધરપકડ કરી છે.

કલાપીનગર વિસ્તારમાં આવેલી ગુરુકલગીધર સોસાયટીમાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 65 વર્ષીય વૃદ્ધ મગનભાઇ નર‌િસંહભાઇ પરમારને ત્રણેક મહિના પહેલાં કલાપીનગરમાં આવેલ અંબાજી માતાના મંદિર પાસે રહેતા 50 વર્ષીય બાબુભાઇ ચમાર સાથે કોઈ કારણસર ઝઘડો થયો હતો, જોકે જે તે વખતે સમાધાન થઇ જતાં મામલો થા‍ળે પડ્યો હતો.

ગઇ કાલે મોડી રાતે મગનભાઇ મેઘાણીનગરની પંજાબ સોસાયટી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાબુભાઇ અને તેમનો 27 વર્ષીય પુત્ર પપ્પુ ઉર્ફે હેદન ચમાર મગનભાઇને જોઇ ઉશ્કેરાયા હતા. પિતા-પુત્રએ મગનભાઇને પથ્થર માર્યો હતો. મગનભાઇને પથ્થર વાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ સારવાર દરમ્યાન તેમને મૃત જાહેર કર્યા હતા. મેઘાણીનગર પોલીસે બાબુભાઇ અને પપ્પુ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને બન્ને આરોપીઓની ધરપકડ કરી છે.

સપ્ટેમ્બરમાં હત્યાના બનાવો
૧-૯-૧૬ કાંકરિયામાં રાકેશની હત્યા
૪-૯-૧૬ ગોમતીપુરમાં ૧૦ વર્ષના વિવેકની હત્યા
૯-૯-૧૬ કાલુપુરમાં મહંમદ જાવેદની હત્યા
૧૩-૯-૧૬ બહેરામપુરામાં લાલાભાઇની હત્યા
૧૩-૯-૧૬ ચંડોળા તળાવ પાસે અબ્દુલની હત્યા
૧૬-૯-૧૬ આનંદનગરમાં અયુબની હત્યા
૧૬-૯-૧૬ ઇસનપુરમાં ફિરોઝ મેવાતીની હત્યા
૧૬-૯-૧૬ ઇસનપુરમાં ધવલ મરાઠીની હત્યા
૧૮-૯-૧૬ નવા વાડજમાં પ્રતીક્ષાબહેનની હત્યા
૧૮-૯-૧૬ નવરંગપુરામાં નિર્મલાબહેનની હત્યા
૧૯-૯-૧૬ જમાલપુરમાં હનીફ દાઢીની હત્યા

You might also like