પિતાએ અન્ય પુત્ર સાથે મળી જમીન બારોબાર વેચી મારી

અમદાવાદ: સાણંદના ગોધાવી ગામમાં રહેતા પરિવારની સંયુક્ત માલિકીની જમીનમાં પિતાએ પુત્ર સાથે મળી બીજા પુત્રને જાણ કર્યા વગર જમીનને બારોબાર વેચી મારતાં યુવકે બોપલ પોલીસ સ્ટેશનમાં પિતા-ભાઈ અને જમીન લેનાર બે શખસ સામે ફરિયાદ નોંધાવી છે. પિતા-ભાઈએ દસ્તાવેજમાં અન્ય માણસ દ્વારા યુવકની ખોટી સહી કરાવી જમીન વેચી મારી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સાણંદના ગોધાવી ગામમાં કાળુસિંહ દીપસિંહ વાઘેલા પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પિતા દીપસિંહ વાઘેલા અને સમરથસિંહ વાઘેલા તેમજ અન્ય પરિવારજનો છે. ગોધાવી ગામની સીમમાં તેમની સંયુક્ત માલિકીની જમીન આવેલી છે. વર્ષ ૧૯૯૧થી દીપસિંહ અને સમરથસિંહે ભેગા મળી કાળુસિંહની જાણ બહાર તેમની જમીન રાજપથ ક્લબ રોડ પર આવેલા શ્રીકુંજ બંગલોઝમાં રહેતા દીપક મધુકાંત પટેલ અને મિતેશ મધુકાંત પટેલને વેચી મારી હતી.

દીપસિંહ અને સમરથસિંહે દસ્તાવેજ અને સબરજિસ્ટ્રારની કચેરીમાં કાળુસિંહની સહી અન્ય વ્યક્તિ પાસે કરાવી દીધી હતી. આ અંગે કાળુસિંહને જાણ થતાં તેઓએ તે બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. દીપક અને મિતેશ પટેલે વેચાણ આપનારની ખરાઈ કર્યા વગર જમીન વેચાણ રાખતાં ચારેય વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like