રાજકોટમાં પૈસાની લેતીદેતીમાં પિતા-પુત્ર પર ફાયરિંગ કરાયું

અમદાવાદ: રાજકોટના આકાશવાણી ચોક પાસે પૈસાની લેતીદેતી મામલે પિતા-પુત્ર પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરાયું હોવાની ઘટના સામે આવી છે. ત્રણ શખસોએ ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર યુનિવર્સિટી રોડ પર આવેલી ભીડભંજન સોસાયટીમાં રહેતા હરદેવસિંહ જાડેજા અને તેમના પુત્ર હાર્દિકસિંહ જાડેજાને મંથન મિસ્ત્રી નામના યુવકે પૈસા મામલે એસ.એન.કે. સ્કૂલ નજીક બોલાવ્યા હતા. પૈસાની લેતી-દેતી મામલે મંથન અને હાર્દિકસિંહ વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ મંથન ત્યાંથી જતો રહ્યો હતો. થોડા સમય બાદ મંથન કારમાં તેના સાગરીતો કમલેશ સિંધી અને રણજીત નામના સાથીઓ સાથે આવ્યો હતો દૂર ઊભેલા હરદેવસિંહ અને હાર્દિકસિંહ ઉપર ફાયરીંગ કર્યું હતું.

ત્રણ જેટલા રાઉન્ડ ફાયર થતા નાસભાગ મચી ગઇ હતી. દૂરથી ફાયરીંગ થતા પિતા-પુત્રનો આબાદ બચાવ થયો હતો. ફાયરીંગ કર્યા બાદ ત્રણેય શખસો કારમાં નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ છ મહિના પૂર્વે હાર્દિકને ઝઘડો થયો હતો. જેમાં મંથને હાર્દિક પર હુમલો પણ કર્યો હતો. જેમાં મંથનની ધરપકડ કરાઇ હતી તે મામલે પણ હુમલો કરાયો હોવાની શક્યતા સેવાઇ રહી છે. પોલીસે હાલ આરોપીઓને ઝડપવા તજવીજ હાથ
ધરી છે.

You might also like