બે વર્ષના‌ં પુત્રનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાની આત્મહત્યા

અનૈતિક સંબંધોને લઇ થતા ઝઘડાનું પરિણામ હવે જિંદગી છીનવવા સુધી પહોંચી ગયું છે. ગોધરાના મડામહુડી-ગોલ્લાવ ગામે આડા સંબધ બાબતે પતિ-પત્ની વચ્ચે અવાર નવાર થતા ઝઘડાનો કરુણ અંત આવ્યો છે.

પિતાએ પોતાના બે વર્ષનાં પુત્રનું ગળું દબાવીને હત્યા કરીને ગામમાં આવેલા કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી દીધી હતી. બનાવની જાણ પોલીસને થતા ગોધરા તાલુકા પોલીસ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ ગોધરા તાલુકાના મડા મહુડી-ગોલ્લાવ ગામના ભગત ફળિયામાં રહેતા મૂકેશભાઇ ભલજીભાઇ બારિયાને તેની પત્ની નર્મદા બારિયા વચ્ચે પત્નીના આડા સંબધના વહેમને લઇને અવારનવાર તકરાર થતી હતી.

આ તકરાર વારંવાર થતાં નર્મદાબહેનના પિતા પોતાની પુત્રી નર્મદાને પિયર લઇને જતા રહ્યા હતા. પત્ની પિયર જતી રહેતાં મનમાં લાગી આવતાં પિતાએ પુત્રની ગળું દબાવી હત્યા કરી પોતે કૂવામાં ઝંપલાવ્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

બીજી તરફ સુરતના પાંડેસરામાં રહેતી મીનાબહેનનું (ઉ.વ.૪૫)નું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર વાયુ છે. મીના સાથે છેલ્લાં દસ વર્ષથી રહેતા સુરેન્દ્ર વર્માની આગવી પૂછપરછ કરી તો ભાંગી પડ્યો હતો. તેણે જ મીનાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. મીનાનાં લગ્ન પ્રકાશ પાટીલ સાથે થયાં હતાં. પ્રકાશને દારૂ પીવાની કુટેવ હતી. જે દસેક વર્ષ પૂર્વે ઘર છોડીને જતો રહ્યો.

પતિ કહ્યા વગર જ જતો રહ્યો અને ત્રણ સંતાનોની જવાબદારી માથે આવી જતાં મીનાબહેન એમ્બ્રોઇડરીનાં કારખાનામાં કામ કરવાં લાગ્યાં. તેમની સાથે કામ કરતાં સુરેન્દ્ર સાથે તેની આંખ મળી ગઈ. બંને એક દાયકાથી પતિ-પત્ની તરીકે સાથે રહેવાં લાગ્યાં. સુરેન્દ્રને અન્ય એક પરિણીતા રંજના સાથે અનૈતિક સંબંધ બંધાયો.

ત્રણેક વર્ષથી સુરેન્દ્ર મીનાના બદલે રંજના તરફ વધુ સમય અને નાણાં આપતો હતો. આ મુદ્દે મીના અને સુરેન્દ્ર વચ્ચેના ઝઘડા થતા હતા કંટાળી સુરેન્દ્રએ મીનાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

You might also like