ભાણેજના સમાધાન માટે ગયેલા વકીલના માથામાં પિતા પુત્રએ પાઈપના ફટકા માર્યા

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં લુખ્ખાં તત્ત્વોનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે નજીવી બાબતોમાં લોકો પર તલવાર, છરી, અને લોખંડની પાઇપ વડે હુમલો કરવો હવે સામાન્ય થઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે. બાપુનગર અને ગોમતીપુરમાં લુખ્ખાં તત્ત્વો જાહેર રોડ પર તલવારો લઇને રીતસરનો આતંક મચાવવાની ઘટના હજુ થાળે નથી પડી ત્યાં કિષ્ણનગરમાં વકીલ પર હુમલો, વટવામાં સામસામે છરી વડે હુમલો, અને સરદારનગરમાં એક યુવક પર છરી વડે હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

નરોડા વિસ્તારમાં આવેલા સિદ્ધિ વિનાયક ડુપ્લેક્સમાં રહેતા અને વકીલાત કરતા ભૂપેન્દ્રભાઇ પટેલે કિષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ગઇ કાલે ભૂપેન્દ્રભાઇના મોબાઇલ પર તેમના ભાણેજ યશ પટેલનો ફોન આવ્યો હતો. યશે ફોન પર ભૂપેન્દ્રભાઇને જણાવ્યું હતું કે ઋતુરાજ ગોહિલ સાથે ઝઘડો થયો છે તો સમાધાન માટે સેન્ટમેરી સ્કૂલની સામે આવેલ પાવન પાન પાર્લર પાસે આવી જાઓ. યશની વાત સાંભળીને ભૂપેન્દ્રભાઇ તરત જ પાવન પાન પાર્લર પર પહોંચી ગયા હતા.

પાન પાર્લર પર યશ અને ઋતુરાજ વચ્ચે ઝધડો ચાલતો હતો ત્યારે ભૂપેન્દ્રભાઇ સમાધાન કરાવવા માટે વચ્ચે પડ્યા હતા તે સમયે ઋતુરાજના પિતા દિગુભા ગોહિલ અને બીજા બે અજાણ્યા શખ્સોએ યશને માર મારવાનું શરૂ કર્યું હતું જેમાં ભૂપેન્દ્રભાઇ છોડાવવા માટે વચ્ચે પડતાં ઋતુરાજે લોખંડની પાઇપથી તેમના માથા પર ત્રણ ચાર ફટકા મારી દીધા હતા. ભૂપેન્દ્રભાઇ લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી બાજુ સરદારનગર વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં પણ એક યુવક પર છરી વડે હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. કિશન ઠાકોર નામના યુવકે નરેશ નામના યુવકને યુવતી સાથે પ્રેમ કરતો હોવાની શંકા રાખીને માર માર્યો હતો. આ મામલે અદાવત રાખીને ગઇકાલે કિશન ઠાકોર, બલિયો ઠાકોર અને કિશન ઠાકોર છરી અને ચપ્પુ લઇને આવ્યા હતા અને નરેશને કેમ આશરો આપો છો તેમ કહીને આશાબહેન ઠાકોર અને તેમના ભાઇ અમરભાઇને ચપ્પાના ઘા ઝીંક્યા હતા.

વટવા વિસ્તારમાં આવેલ સદભાવના નગરમાં પણ રવિવારે મોડી રાતે બે પક્ષ વચ્ચે સામસામે છુરાબાજી થતાં પોલીસ દોડતી થઇ હતી. સદભાવના નગરમાં મોહંમદ ઇરફાન મલેકેની પુત્રીનો સલમાન નામના યુવક સાથે પ્રેમ સંબધ હતો. જેમાં સલમાન અને ઇરફાને એકબીજા પર છરી વડે હુમલો કર્યો હતો.

You might also like