પિતાને માતાની હત્યા કરતાં જોઈ યુવાન પુત્ર અાઘાતમાં સરી પડ્યો

અમદાવાદ: શહેરના જશોદાનગરમાં આવેલી નવી વસાહતમાં મોડી રાતે પતિએ પત્નીની ચપ્પાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પતિના પ્રેમસંબંધને લઇને પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થઇ ગયો હતો, જેમાં ઉશ્કેરાટમાં આવી જઇને પતિએ પત્નીને ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. માતાની હત્યાને પુત્ર અજયે ઘરની બારીમાંથી જોતાં તેને પણ આઘાત લાગ્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
નવી વસાહતના પ્લોટ નંબર 9માં રહેતેા 45 વર્ષીય સોમાભાઇ પૂંજાભાઇ ચૌહાણ તેમની પત્ની વાલીબહેનની હત્યા કરી નાખીને ફરાર થઇ ગયા હતા. સોમાભાઇના ભત્રીજા સંજય ઉર્ફે ‌િપન્ટુ ચૌહાણે કરેલી પોલીસ ફરિયાદ મુજબ સોમાભાઇને છેલ્લા ઘણા સમયથી હાથીજણમાં રહેતી એક યુવતી સાથે સંબંધ હતા, જેને લઇને વાલીબહેન તથા સોમાભાઇ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

છેલ્લા ત્રણ દિવસથી સોમાભાઇ ઘરે નહીં આવતાં તેમનાં પરિવારજનોએ સોમાભાઇની શોધખોળ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે સોમાભાઇ તેમની પ્રેમિકા સાથે હાથીજણમાં રહે છે. ગઇ કાલે સોમાભાઇ ઘરે આવ્યા ત્યારે વાલીબહેન અને સોમાભાઇ વચ્ચે ઝઘડો શરૂ થઇ ગયો હતો. સોમાભાઇએ વાલીબહેન ઉપર ચપ્પા વડે હુમલો કરતાં વાલીબહેનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ.એ. શેખે જણાવ્યું છે કે ત્રણ દિવસથી સોમાભાઇ તેમના ઘરે નહીં આવતાં તેમની પ્રે‌િમકાના ઘરે રહેતા હતા, જેને લઇને ગઇ કાલે સોમાભાઇ અને વાલીબહેન વચ્ચે ઝઘડો થતાં વાલીબહેનની ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. સોમાભાઇ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે.

સોમાભાઇ અને વાલીબહેનની ત્રણ દીકરીઓ ઇંદુ, ભાવના તથા નીતા ચૌહણનાં લગ્ન થઇ ગયાં છે. તેમનો 22 વર્ષીય પુત્ર અજય માતા-પિતા સાથે રહે છે અને બીબીએમાં અભ્યાસ કરે છે. વટવા જીઆઇડીસીની એક ફેકટરીમાં 15 હજારની નોકરી કરીને પોતાનો ખર્ચ જાતે ઉપાડે છે. પિતાની હરકતોની જાણ અજયને ઘણા સમયથી હતી. ગઇ કાલે ચૈત્રી આઠમ હોવાના કારણે સાંજે મંદિરે દર્શન કરવા માટે અજય ગયો હતો.

દર્શન કરીને પરત ફરતાં તેના ઘરમાં માતા-પિતાનાે ઝઘડો ચાલતો હતો. અજય તેના ઘરની બારીમાં જઇને માતા-પિતાનો ઝઘડો જોવા ઊભો રહ્યો હતો તેવામાં પિતાએ માતાને ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. માતાની નજર સમક્ષ પિતાએ કરેલી હત્યાનો આઘાત અજયને લાગ્યો કે તે સૂનમૂન થઇ ગયો છે. અજયને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

You might also like