પુત્રવધુઅે સળગાવતાં ગંભીર રીતે દાઝેલા NRI સસરાનું મોત

અમદાવાદ, શુક્રવાર
શહેરના કુબેરનગર વિસ્તારમાં પુત્રવધૂને મનાવવા માટે ગયેલા વૃદ્ધ સસરાને જીવતા સળગાવી દેવાની ચકચારી ઘટનામાં ગઇ કાલે મોડી રાતે સસરાનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે પુત્રવધૂ વિરુદ્ધમાં હત્યાની કલમનો ઉમેરો કરીને તપાસ શરૂ કરી છે. સાઉદી અરબથી પરત આવેલા સસરાએ રિસામણે બેઠેલી પુત્રવધૂને મનાવવા જતાં આ ઘટના ઘટી હતી.

જૂના વાડજ વિસ્તારમાં આવેલ ગાંધીનગરના ટેકરા પાસે,પટેલની ચાલીમાં હરીશભાઇ બચુભાઇ પરમાર તેમનાં પત્ની નાવીબહેન, પુત્ર મનીષ અને અરુણ, પુત્રવધૂ હંસા અને કોમલ સાથે રહે છે. હરીશભાઇ આઠ મહિના પહેલાં સાઉદી અરબથી પરત આવ્યા હતા. છ મહિના પહેલાં અરુણ અને કોમલ વચ્ચે સામાન્ય તકરાર થઇ હતી. જેમાં કોમલ તેના બે વર્ષના પુત્ર હર્ષને લઇને કુબેરનગર તેના પિયરમાં જતી રહી હતી. ગઇ કાલે સવારે હરીશભાઇ તેના મોટા પુત્ર મનીષને લઇને પુત્રવધૂ કોમલને મનાવવા માટે ગયા હતા.

હરીશભાઇ કોમલના ઘરમાં એકલા જ ગયા હતા જ્યારે મનીષ બહાર ઊભો રહ્યો હતો. હરીશભાઇએ ઘરમાં જઇને પૌત્ર હર્ષને રમાડવા અને કોમલને લેવા આવ્યો છું તેમ કહેતાં કોમલ અને તેની માતા મંજુબહેન અને બહેન માધુરી ઉશ્કેરાઇ ગયાં હતાં. ત્રણેય જણાએ હરીશભાઇને ધક્કો મારીને પાડી દીધા હતા અને તેમના પર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી.

હરીશભાઇ આગની ઝપેટમાં ચઢતાં બુમાબુમ થઇ ગઇ હતી જેમાં મનીષ તેમજ અડોશ પડોશના લોકો દોડીને આવી ગયા હતા અને હરીશભાઇ પર પાણી છાંટીને આગ બુઝાવી હતી. હરીશભાઇ ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઇ કાલે મોડી રાતે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સરદારનગર પોલીસ પુત્રવધૂ કોમલ તેની માતા મંજુબહેન અને બહેન માધુરી વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. ગઇ કાલે હરીશભાઇનાં મોત બાદ પોલીસે હત્યાની કલમ ઉમેરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જલ્લાદ વહુએ પતિની સામે જ NRI સસરાને સળગાવવાનો પ્રયત્ન કર્યો, પિયરિયાઓએ સાથ આપ્યો

You might also like