કોણ મને અહીં રહેવાની ના પાડે છે…હું એને જીવતો નહીં છોડું

અમદાવાદ: શહેરના સારંગપુર વિસ્તારમાં સાસુ સસરા ઉપર જમાઇ સહિત ત્રણ લોકોએ તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો છે.  સારંગપુર બ્રિજ નીચે આવેલી જયંતીલાલ દામોદરદાસની ચાલીમાં રહેતાં બાલુબહેન અરવિંદભાઇ ઠાકોરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બાલુબહેનની પુત્રી કિરણ ઠાકોરે પાંચ વર્ષ પહેલા હિંમતલાલ નટવરલાલની ચાલીમાં રહેતા કિરણ વિહુજી રાવત સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ કિરણે તેના પિયર સાથે સંબધ તોડી નાખ્યો હતો. થોડાક દિવસ પહેલાં કિરણ રાવત તેની પત્ની સાથે સાસરીના પડોશના મકાનમાં રહેવા માટે આવી ગયો હતો.

દંપતી રહેવા માટે આવતા બાલુબહેન તેમજ અરવિંદભાઇએ તેમને ઠપકો આપ્યો હતો અને તમે કેમ અહીં રહેવા માટે આવ્યા છો તેવું કહ્યું હતું. સાસુ સસરાએ કિરણ રાવતનું અપમાન કરતાં ગઇ કાલે તેઓ ભાઇ ભરત અને મિત્ર કૃણાલ સાથે તલવાર અને પાઇપ લઇને આવ્યો હતો અને સસરાના ઘર પાસે ઊભો રહીને કોણ મને અહીં રહેવાની ના પાડે છે હું એને જીવતો નહીં છોડું તેમ કહીને સાસુ સસરા અને કાકાજી પર હુમલો કર્યો હતો.

આ ઘટનામાં કિરણે સાસુ બાલુબહેનના માથામાં તલવારનો ધા ઝીંકી દીધો હતો ત્યારે સસરા અને કાકાજી પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ત્રણેય જણાને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like