કામ નહીં કરવા બાબતે પિતાએ બે પુત્રી પર દાતરડાથી હુમલો કર્યો

અમદાવાદ: નારોલમાં પિતાએ બે પુત્રી પર દાતરડા વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. કામ નહીં કરવા બાબતે પિતાએ બન્ને પુત્રીને ઠપકો આપતાં ગઇકાલે બપોરે મામલો બીચક્યો હતો. વટવા પોલીસ હુમલો કરનાર પિતાના ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. નારોલ રંગોલીનગરમાં રહેતી અને કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી સાધના કુશવાહાએ વટવા પોલીસ સ્ટેશનમાં તેના પિતા વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ગઇ કાલે બપોરે સાધના ઘરમાં સિલાઇ કામ કરતી હતી ત્યારે તેની બહેન મમતા ઘરનું કામ કરતી હતી અને તેના પિતા પ્રહ્લાદભાઇ ઘરે સુતા હતા. તે સમયે એકાએક પ્રહ્લાદભાઇ જાગી ગયેલા અને સાધનાને કહેવા લાગેલ કે તને કામ કરવાની ના પાડેલ છે છતાં કેમ કામ કરે છે.હું તમને પૈસા કમાઇને આપું છું તે ઓછું છે.સાધના અને મમતા એ તેમનું કામ ચાલુ રાખતાં પ્રહલાદભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને બીભસ્ત ગાળો બોલીને ગડદાપાટુંનો માર મારવા લાગ્યા હતા. ત્યારે ઘરમાં પડેલું દાતરડું લઇને સાધનાના માથામાં મારી દીધું હતું જ્યારે મમતાને પણ પેટના ભાગે દાતરડું મારી દીધું હતું.

ઘરમાં બુમાબુમ થતાં અડોશ પડોશના લોકો દોડી આવ્યા હતા અને પ્રહ્લાદભાઇને પકડી રાખ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્ત બન્ને બહેનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં તે તાત્કલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી ત્યારે પ્રહ્લાદભાઇની પત્ની અને તેમનો પુત્ર પણ ઘરે આવી ગયા હતા. પોલીસે પ્રહ્લાદભાઇની ધરપકડ કરીને તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે.

You might also like