અમદાવાદી પિતા-પુત્રઅે કતારની કંપનીને 188 કરોડનો ચૂનો લગાવ્યો

અમદાવાદ: શહેરના સરખેજ-ગાંધીનગર હાઇવે પર ગુરુદ્વારા નજીક આવેલી અરડોર ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સહિતની ત્રણ કંપનીના માલિક પિતા-પુત્રએ કતાર દેશની પેટ્રો કેમિકલ્સ પ્રોડકટસનું વેચાણ કરતી કંપની પાસેથી ઉધારમાં રૂ.ર.૮૦ કરોડ યુએસ ડોલરનું સાબુ બનાવવાનું કેમિકલ ખરીદી તેના ભારતીય ચલણમાં રૂ.૧૮૮ કરોડ નહીં ચૂકવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસેે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કતાર દેશમાં મુંતજાત કતાર કંપની આવેલી છે. આ કંપનીની મુંબઇની બાંદ્રા ખાતે મુંતજાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ આવેલી છે. આ કંપની પેટ્રો કેમિકલ્સ વેચવાનું માર્કેટિંગ અને પ્રમોશન કરે છે. એસજી હાઇવે પર ગુરુદ્વારા પાસે આવેલા મોન્ડિલ બિઝનેસ પાર્કમાં આવેલી અરડોર ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર ભરતભાઇ શાહ અને ફેનિલ શાહે વર્ષ ર૦૧૩માં કતાર ખાતે આવેલી કંપનીનો સંપર્ક કરી લિનિયર અાલ્કાઇઝ બેન્ઝિન નામનું સાબુ બનાવવાનું રો-મટીરિયલ ખરીદ્યું હતું.

ર૦૧૩થી ર૦૧પ સુધી તેઓ પાસેથી મટીરિયલ ખરીદી સમયસર નાણાં ચૂકવીને કતાર ખાતેની કંપનીનો વિશ્વાસ કેળવી લીધો હતો. ૩૦ ઓકટોબર ર૦૧પથી જૂન ર૦૧૬ સુધી અરડોર ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડના નામે ૮૩.૧૯ લાખ યુએસ ડોલર, અરડોર ઇન્ટરનેશનલના નામે ૬૭.ર૯ લાખ યુએસ ડોલર અને કેમ-એજ ઇન્ટરનેશનલ કંપનીના નામે ૧.ર૯ કરોડ યુઅેસ ડોલર મળી કુલ રૂ.ર.૮૦ કરોડ યુએસ ડોલરનો માલ મુંતજાત કંપનીએ ઉધારમાં આપ્યો હતો. આ નાણાંની ચૂકવણી સપ્ટેમ્બર ર૦૧૬ સુધીમાં કરવાની હતી.

જેની સમયમર્યાદા પૂર્ણ થતાં કંપનીએ ફોન અને ઇ-મેઇલ દ્વારા તથા વોટસએપ દ્વારા અરડોર કંપનીને નાણાં ચૂકવવા જાણ કરી હતી. કુરિયર મારફતે નોટિસ મોકલવા છતાં તેઓએ કોઇ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યો નહોતો. કંપનીના એક્ઝિકયુટિવ ડાયરેકટર અને સેલ્સ એક્ઝિકયુટિવ ભરતભાઇની ઓફિસે જઇને મળ્યા હતા અને પૈસાની ચૂકવણી કરવા જણાવ્યું હતું. તેઓએ એક મહિનામાં નાણાં ચૂકવી દઇશું તેઓ પત્ર પણ આપ્યો હતો, પરંતુ એક મહિના બાદ પણ બંને પિતા-પુત્ર મળ્યા ન હતા અને જવાબ પણ આપ્યો નહોતો. હાલમાં બંનેે પિતા-‌પુત્ર ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આથી મુંબઇ ખાતેની ઓફિસમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રાજેશ વૈદ્યે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રૂ.૧૮૮ કરોડની છેતરપિંડીની ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

home

You might also like