અમરાઈવાડીમાં સામાન્ય ઝઘડામાં પિતા-પુત્ર પર હુમલોઃ પિતાનું મોત

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં લો‌િહયાળ રમત રમાઇ છે. સાવ સામાન્ય બાબતે બે યુવક અને એક આધેડ વ્યકિત પર ખૂની હુમલો કરવામાં આવ્યો હોવાની ત્રણ અલગ અલગ ઘટના ઘટી છે, જેમાં આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે. લોકોની સહનશક્તિ એ હદે પૂરી થઇ ગઇ છે કે હત્યા કરવા માટે એક ક્ષણનો પણ વિચાર નથી કરતા, જે સમાજ માટે એક ચિંતાનો વિષય બની ગઇ છે.

અમરાઇવાડી વિસ્તારમાં આવેલ નાથાજી ધુળાજીની ચાલીમાં રહેતા અને ‌િરક્ષા ડ્રાઇ‌િવંગ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા યોગેશ ઉર્ફે જીતુ ગુલાબજી રાણાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. ગઇ કાલે રાતે પોણા નવેક વાગ્યાની આસપાસ યોગેશ, તેનો મિત્ર બબલુ રાજેન્દ્રભાઇ મિશ્રા અને રણ‌િજત ઉર્ફે કાંચો ચાલતાં ચાલતાં શ્રીનાથનગર પાસેથી પસાર થતા હતા તે સમયે ભીલવાડામાં રહેતા મનીષ તથા તેના મિત્રો સ‌નીયો અને ટીનટીને અહીંથી કેમ નીકળો છો તેમ કહીને યોગેશને બીભત્સ ગાળો આપી હતી.

મનીષ અને યોગેશ વચ્ચે બોલાચાલી થતાં મામલો બીચક્યો હતો, જેમાં મનીષે ચપ્પુ કાઢીને યોગેશના ખભા અને આંખ પર લસરકો મારી દીધો હતો. આ ઘટનામાં રણજીત અને બબલુ ત્યાંથી નાસી ગયા હતા અને યોગેશના પિતા ગુલાબજીને બોલાવીને લાવ્યા હતા. ગુલાબજી ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે યોગેશને હાથમાં તેમજ મોઢા પર લોહી નીકળ્યું હતું. મનીષ, ટીનટીન અને સનીયાને ગુલાબજીએ ઠપકો આપતાં મામલો વધુ બીચક્યો હતો.

ત્રણેય જણાએ ગુલાબજી પર હુમલો કરી દીધો હતો. ટીનટીને ગુલાબજીને પકડી રાખતાં મનીષ અને સનીયાએ તેમના પર ઉપરાછાપરી ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. લોહીથી લથપથ થઇને ગુલાબજી જમીન પર પટકાયા હતા તે સમયે મનીષના પિતા તલવાર લઇને આવ્યા હતા અને આ લોકોને પતાવી દો, કોઇ જીવતું ના જવું જોઇએ તેમ કહીને ગુલાબજી પર તલવાર વડે હુમલો કર્યો હતો.

આ ઘટનામાં બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા, જેથી મનીષ, તેના પિતા, ટીનટીન અને સનીયો ફરાર થઇ ગયા હતા. એક સ્થાનિક રહીશ ગુલાબજી અને યોગેશને તેના ખાનગી વાહનમાં બેસાડીને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં તબીબોએ ગુલાબજીને મૃત જાહેર કર્યા હતા. અમરાઇવાડી પોલીસે મનીષ અને તેના પિતા, ટીનટીન અને સનીયા વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે જ્યારે ગુલાબજીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

યુવકને દોડાવી દોડાવીને ચપ્પાના ઘા ઝીંક્યા
અમરાઇવાડી વિસ્તારમાં આવેલ ટાઇગરચોકમાં ક્રિકેટ રમવા માટે ગયેલા યુવક પર અડેધડ ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરવાની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પ્રાથ‌િમક વિગતો અનુસાર અમરાઇવાડી પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલ ભવાનીનગરમાં રહેતો ૧૮ વર્ષીય હીરેન હીરાલાલ પરમાર અને તેનો મિત્ર મનીષ મકવાણા ક્રિકેટ રમવા માટે ગયા હતા.

ક્રિકેટ રમ્યા બાદ નાસ્તો કરતા હતા તે સમયે ભોલા નામનો યુવક આવ્યો હતો અને હીરેન સાથે કોઇ કારણસર માથાકૂટ કરતો હતો. તે સમયે હીરેન અને ભોલા વચ્ચે ઝપાઝપી શરૂ થઇ હતી, જેમાં ભોલાએ ચપ્પુ કાઢીને હીરેનને મારી દીધું હતું ત્યારે મનીષને પણ ભોલાએ ચપ્પાનો ઘા ઝીંકી દીધો હતો. ભોલાએ મનીષ અને હીરેનને દોડાવી દોડાવીને માર્યા હતા.

ભોલાએ હીરેનને આડેધડ ચપ્પાના ઘા ઝીંકતાં તેના આંતરડાં બહાર આવી ગયાં હતાં, જ્યાં તેને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખડેસવામાં આવ્યો હતો. હીરેનની હાલત હાલ અત્યંત નાજુક હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે જ્યારે મનીષને સામાન્ય લસરકો વાગતાં તેને હોસ્પિટલમાં આઉટડોર સારવાર આપીને જવા દીધો હતો. અમરાઇવાડી પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

યુવકને માથામાં લોખંડની એંગલ મારી
અમરાઇવાડીમાં આવેલ મહાલક્ષ્મીનગરમાં રહેતા ર૬ વર્ષીય રવિ પોપટભાઇ રાઠોડે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અક્ષય કાકડેજા, યોગેશ ડો‌િરયા અને મહેશ ઉર્ફે ટી‌િનયા વિરુદ્ધમાં જાનથી મારી નાખવાની કોશિશ કરવા બદલ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે બે દિવસ પહેલાં રાતે માતાજીના ગાગર-બેડુનો પ્રસંગ હોવાથી સ્થાનિકો ભેગા થયા હતા.

ગાગર-બેડુ રવિના ઘર પાસે બાંધવાનું કહેતાં અક્ષય, યોગેશ અને મહેશે વાંધો ઉઠાવ્યો હતો અને સોસાયટીના ગેટ પાસે ગાગર-બેડુ બાંધવા માટેની વાત કરી હતી. રવિ અને અક્ષય વચ્ચે બોલાચાલી થતાં મામલો બીચક્યો હતો, જેમાં ત્રણેય શખ્સોએ ર‌િવ પર હુમલો કર્યો હતો. જોતાજોતામાં અક્ષય લોખંડની એંગલ લઇને આવ્યો હતો અને ર‌િવના માથામાં મારી દીધી હતી. ર‌િવને માથાના ભાગે લોહી નીકળતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

You might also like