સરખેજ-સાણંદ હાઈવે પર અકસ્માતઃ વેગનઅાર કારને ફોર્ચ્યુનરની ટક્કરઃ પિતા અને પુત્રના મોત

અમદાવાદ: શહેરના ફરતે આવેલા હાઇવે પર દર બે દિવસે અકસ્માતની ઘટના ઘટી રહી છે. પુરઝડપે પસાર થઇ રહેલા વાહનચાલકોના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે આવી જ એક ઘટના બે દિવસ પહેલાં સરખેજ સાણંદ હાઇવે પર બની હતી.

સુરતથી સામાજિક કામ માટે આવી રહેલા પંડ્યા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં પિતા પુત્રનું મોત થયું હતું. પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકે પંડ્યા પરિવારની કારને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. સરખેજ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

બોપલ ઘુમા રોડ પર આવેલ શુભવિલા બંગલોમાં રહેતાં કીર્તિબહેન અમિતભાઇ પંડ્યાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. કીર્તિબહેનના પતિ આઇઆઇએફએલ કંપનીમાં નોકરી કરતા હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી તમામ પરિવાર સુરત ખાતે રહે છે.

સામાજિક કામ હોવાથી બે દિવસ પહેલાં અમિતભાઇ પંડ્યા તેમના પિતા બિપિનચંદ્ર, માતા જ્યોતિબહેન, પુત્ર વિવાન અને પત્ની કીર્તિબહેન સાથે સુરતથી અમદાવાદ તેમના ઘરે આવવા માટે વેગનઆર કાર લઇને નીકળ્યા હતા.

સુરતથી અમિતભાઇ કાર ચાલાવીને અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા. અમિતભાઇ કાર ચાલાવીને થાકી ગયા હોવાથી નડિયાદથી કીર્તિબહેને કાર ચાલાવી હતી. પંડ્યા પરિવાર સરખેજ સાણંદ રોડ પર પહોચ્યાે હતાે તે સમયે બમ્પ આવતાં કીર્તિબહેને કારને ધીમી પાડી હતી.

કાર ધીમી પડતાંની સાથે જ પુરઝડપે આવી રહેલા ફોર્ચ્યુનર કારના ચાલકે વેગનઆરને જોરદાર ટક્કર મારી હતી. ફોર્ચ્યુનરે પાછળથી ટક્કર મારતાં વેગનઆર કાર ડિવાઇડર કૂદીને સામે રોડ પર પછડાઇ હતી.

અકસ્માતમાં કારનો કુચ્ચો વળી ગયો હતો સ્થાનિકો દોડીને ઘટના સ્થળે આવી ગયા હતા અને કારમાં દબાયેલાં કીર્તિબહેન, અમિતભાઇ, વિવાન, જ્યોતિબહેન અને બિપિનચંદ્રને બહાર કાઢીને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ અમિતભાઇ અને બિપિનચંદ્રને મૃત જાહેર કર્યા હતા.

ત્યારે કીર્તિબહેન, વિવાન અને જ્યોતિબહેનને સામાન્ય ઇજા પહોંચી હતી. સરખેજ પોલીસે આ મામલે ફોર્ચ્યુનર કાર ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફોર્ચ્યુનર કારની સ્પીડ એટલી વધારે હતી કે કારને ટક્કર વાગતાંની સાથે સામેના રોડ પર ઊછળીને પડી હતી.

You might also like