ફતેહવાડીનો બનાવઃ પતંગ ચગાવતી વખતે થયેલા ઝઘડામાં યુવકની ઘાતકી હત્યા

અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ પાસે એક મકાનના ધાબા પર ઉત્તરાયણના દિવસે પંતગ ચગાવી રહેલા શખ્સોને ગાળો બોલવાની ના પાડનાર યુવકને છરીના ધા ઝીંકતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઇજાગ્રસ્ત યુવકનું ગઇ કાલે સારવાર દરમિયાન મોત થતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

ફતેહવાડી કેનાલ પાસે આવેલ મીમનગરમાં રહેતા ઇકબાલ નનુભાઇ કુરેશીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચાર યુવક વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ઇકબાલનો નાનો ભાઇ સલીમ કુરેશી ઉત્તરાયણના દિવસે બપોરે તેનું કામ પૂરું કરીને ઘરે આવ્યો હતો. દરમિયાનમાં પડોશમાં આવેલા મકાનના ધાબા પર પતંગ ચગાવવા માટે ચઢેલા સદામ, ખાલિદ, રફીક અને ભાઇજી નામના યુવકો મજાક મસ્તી કરતા હતા અને ગાળો બોલી રહ્યા હતા.

ચારેય યુવકને ગાળો બોલાવાની સલીમે ના પાડતાં મામલે બીચક્યો હતો. ચારેય યુવકોએ સલીમને ગાળો આપવાની શરૂ કરી હતી અને હમ લોગોં કો જાનતા નહીં હૈ હમ કૌન હૈ તેમ કહી બબાલ શરૂ કરી હતી. ચારેય જણાએ સલીમને ઉશ્કેર્યો હતો અને ધાબા પર બબાલ કરવા માટે બોલાવ્યો હતો. સલીમ ઉશ્કેરાઇને ધાબા પર જતાં ચારેય શખ્સોએ તેને ઢોર માર માર્યો હતો.

ચાર પૈકી એક શખ્સે તેની પાસે રહેલી છરી કાઢીને સલીમને પેટના ભાગે મારી દીધી હતી. પેટમાં લોહી નીકળતાં સલીમ ધાબા પર ઢળી પડ્યો હતો. સલીમને બચાવવા માટે ઇકબાલ ધાબા પર જાય તો તેની ઉપર પણ હુમલો કરવાની આરોપીઓની તૈયારી હતી.

જોકે આ ઘટનાથી બુમાબુમ થઇ જતાં અડોશપડોશના લોકો ભેગા થઇ ગયા હતા અને ચારેય યુવક પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો થતાં ચારેય જણા ધાબું કૂદીને નાસી છુટ્યા હતા. ઇજાગ્રસ્ત સલીમને તાત્કાલીક ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગઇ કાલે બપોરે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

વેજલપુર પોલીસે સલીમના મોત મામલે ચાર આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સૂત્રોનું માનવું છેકે દોઢ વર્ષ પહેલાં સલીમના ભાઇએ એક યુવકની હત્યા કરી હતી. જેનો બદલો લેવા માટે સલીમની હત્યા થઇ હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે આ મામલે પણ તપાસનો દોર શરૂ કર્યો છે.

You might also like